કર્ણાટક વિધાનપરિષદના નાયબ સ્પીકર ધર્મેગૌડાએ આત્મહત્યા કરી

બેંગલુરુઃ કર્ણાટકમાં બનેલા એક આંચકાજનક બનાવમાં, વિધાનપરિષદના નાયબ સ્પીકર અને જનતા દળ (સેક્યૂલર) પાર્ટીના નેતા એસ.એલ. ધર્મેગૌડાએ આત્મહત્યા કરી છે. એમનો મૃતદેહ ચિકમંગલુર શહેરમાં કાદુર સ્ટેશન નજીક રેલવેના પાટા પરથી મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. કહેવાય છે કે ધર્મેગૌડાએ ગઈ કાલે સાંજે ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ધર્મેગૌડાએ શા માટે આત્મહત્યા કરી એનું કારણ હજી નિશ્ચિત થયું નથી. એ ગઈ કાલે સાંજે લગભગ સાત વાગ્યે એમની સેન્ટ્રો કારમાં બેસીને એકલા જ એમના ઘેરથી રવાના થયા હતા. એક સ્થળે કાર ઊભી રખાવીને એમણે એમના ડ્રાઈવરને પાછા જતા રહેવા કહ્યું હતું. ત્યારબાદ એમણે અમુક લોકો સાથે વાત કરી હોવાનું અને ટ્રેનના ટાઈમિંગ વિશેની માહિતી એકઠી કરી હોવાનું કહેવાય છે. રાતે 10 વાગ્યા સુધી એ ઘેર પાછા ન ફરતાં પોલીસને જાણ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કર્ણાટક વિધાનપરિષદમાં કોંગ્રેસના વિધાનસભ્યોએ ધર્મેગૌડા સાથે ગેરવર્તાવ કર્યો હતો, એમને એમની ખુરશી પરથી ખેંચીને ઉઠાવ્યા હતા અને ધક્કામુક્કી કરી હતી.