ખાતાની ફાળવણીને લઈને કર્ણાટક સરકારમાં અસમંજસ, કોંગ્રેસ નેતાઓને મળ્યા કુમારસ્વામી

નવી દિલ્હી- કર્ણાટકમાં રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસના ટેકાથી જનતા દળ સેક્યુલરના (JDS) નેતા એચ.ડી. કુમારસ્વામીએ ગત 23 મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. પરંતુ તેમના કેબિનેટનું સ્વરુપ હજી સુધી નક્કી કરી શકાયું નથી. શપથ લીધાના પાંચ દિવસ પછી પણ આ મામલે ગતિરોધ યથાવત છે.કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામી સોમવારે દિલ્હી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટી ગૃહ, નાણાં અને સિંચાઈ સહિત અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. જ્યારે JDS નાણા મંત્રાલયને મુખ્યપ્રધાન કુમારસ્વામીને ફાળવવાની માગ કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કોંગ્રેસ અને JDS બન્ને પાર્ટીઓ વચ્ચે ખાતાઓની ફાળવણીને લઈને જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે મુજબ JDSના ખાતામાં PWD મુખ્ય વિભાગ તરીકે આપવામાં આવી શકે છે. ઉપરાંત કૃષિ વિભાગ પણ JDSને ફાળવવામાં આવી શકે છે. જ્યારે નાણાં વિભાગ, ગૃહ વિભાગ, પાવર, સિંચાઈ અને ગ્રામીણ વિભાગ જેવા અનેક મહત્વના ખાતાઓ કોંગ્રેસ પોતાની પાસે રાખવા માગે છે.

કર્ણાટક કેબિનેટમાં ખાતાઓની ફાળવણીને લઈને  દિલ્હીમાં કોંગ્રેસ અને JDS નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં કર્ણાટકના સીએમ કુમારસ્વામી, એચ.ડી. રેવન્ના, કોંગ્રેસ નેતા અહમદ પટેલ, ડી.કે. શિવકુમાર, મલ્લિકાર્જૂન ખડગે, સિદ્ધારમ્મૈયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના નિવાસ પર યોજાઈ હતી. બેઠક બાદ કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ કહ્યું કે, બેઠક ખૂબ સકારાત્મક રહી છે.