કર્ણાટકમાં BJPને રોકવા કોંગ્રેસે આપ્યું JDSને સમર્થન, રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

બેંગાલુરુ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સામે આવેલા પરિણામ ઘણા સરપ્રદ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતિના આંકડા પાસે આવીને અટકી જતાં હવે રાજ્યમાં સત્તાનો જંગ વધુ રોચક બન્યો છે. કોંગ્રેસ પાર્ટીએ સ્થિતિને અનુરુપ સત્તા મેળવવા માટે અને બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલરને (JDS) સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ત્રણ મુખ્ય નેતા પ્રકાશ જાવડેકર, જે.પી. નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટક માટે રવાના કર્યા છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, અમે JDS ચીફ અને પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડા અને કુમારસ્વામી સાથે રાજ્યમાં સરકાર બનાવવા અંગે વાત કરી છે. તેઓએ અમારી ઓફર સ્વીકારી છે. અમને આશા છે કે, અમે સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવશું.

કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરે કહ્યું કે, ‘અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. જનાદેશ સામે અમે નતમસ્તક છીએ.  તેમણે કહ્યું કે, સરકાર રચવા અમારી પાસે પુરતું સંખ્યાબળન થી. આ સ્થિતિમાં, કોંગ્રેસે સરકાર રચવા માટે JDSને ટેકો આપવાની ઓફર કરી છે.

કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે જણાવ્યું છે કે, અમે (કોંગ્રેસ અને JDS) સંયુક્તપણે રાજ્યપાલ સાથે મુલાકાત કરશું અને સરકાર રચવાનો દાવો રજૂ કરશું. જોકે સૂત્રોનું માનીએ તો, રાજ્યપાલે જણાવ્યું છે કે, જ્યાં સુધી ચૂંટણી પંચ દ્વારા પરિણામની પુરી માહિતી જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ પણ દરખાસ્ત પર વિચાર કરશે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]