કર્ણાટકમાં કોંગ્રેસનું JDS સામે સરેન્ડર 2019માં રાહુલ ગાંધીની દાવેદારી નબળી પાડશે

બેંગાલુરુ- કર્ણાટકમાં હવે સરકાર રચવા ભાજપ અને કોંગ્રેસમાં મુખ્ય જંગ શરુ થઈ છે. જોકે આ પરિણામ કોંગ્રેસની ધારણાથી તદ્દન વિપરિત આવ્યા છે. અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર આત્મચિંતન કરવા મજબૂર કર્યાં છે. કર્ણાટકના પરિણામ બાદ હવે 2019ની લોકસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવા કેટલા સક્ષમ છે તે અંગે પણ પાર્ટીમાં અંદરખાને સવાલો ઉભા થવા લાગ્યા છે.ગોવા, મણિપુર અને મેઘાલયમાં સરકાર રચવામાં બેદરકારી અને સુસ્તી દર્શાવ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં આ વખતે કોઈ લાપરવાહી નથી કરવા ઈચ્છતી. અને કર્ણાટકમાં સરકાર બનાવવા કોંગ્રેસ એટલીજ સતર્ક જણાઈ રહી છે જેટલી અન્ય રાજ્યોમાં ભાજપ જોવા મળી છે.

જો કે, તમામ પ્રકારના દાવાઓ વચ્ચે એક વાત ઉડીને આંખે વળગે છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી સરકાર બચાવવા અને એકલે હાથે સરકાર બનાવવા સક્ષમ નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની વધુ એક સૌથી મોટી નિષ્ફળતા સામે આવી છે કે, પાર્ટીનું સંચાલન કરવામાં તેઓ સક્ષમ નથી.

કર્ણાટક ચૂંટણીએ સંદેશ આપ્યો છે કે, રાહુલ ગાંધીએ તેના ચૂંટણી પ્રચાર અંગે ફરી વિચાર કરવો જોઈએ. રાજકીય પંડિતોનું માનવું છે કે, રાહુલ ગાંધીએ તેના પ્રચારને મોદી કેન્દ્રિત કરવાને બદલે પોતાના વિચારો અને યોજનાઓ રજૂ કરવા જોઈએ. જેના બદલે રાહુલ ગાંધી પીએમ મોદી પર આક્ષેપો અને શાબ્દિક પ્રહારો કરવામાં જ સમય બરબાદ કરે છે, જે મતદાતાઓને કોંગ્રેસ તરફ ખેંચી લાવવા સક્ષમ નથી.

કર્ણાટક ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસનો એ દાવો નબળો પુરવાર થઈ રહ્યો છે કે, 2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી સૌથી શક્તિશાળી નેતા બની શકે છે. કર્ણાટકની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાની જાતને પીએમ મોદીની સમકક્ષ બતાવવા માટે કોઈ કસર બાકી છોડી નહતી. પરંતુ આ ખરાખરીના જંગમાં કોંગ્રેસને બીજું સ્થાન મેળવીને સંતોષ કરવો પડ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]