કર્ણાટકમાં 3 લોકસભા અને 2 વિધાનસભા સીટો પર ઉપચૂંટણી માટે મતદાન

બેંગ્લોરઃ કર્ણાટકમાં સત્તારુઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની પરીક્ષા થવાની છે કારણ કે આજે ત્રણ લોકસભા અને બે વિધાનસભા ક્ષેત્રોમાં ઉપચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામોની અસર રાજ્યના રાજનૈતિક પરિદ્રશ્ય પર પડવાની પૂર્ણતઃ શક્યતાઓ છે. આ ચૂંટણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કરનારા ગઠબંધનના બંન્ને ભાગીદારોએ આને મે 2019માં સામાન્ય ચૂંટણીનો આગાઝ કરાર દીધો છે અને રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરુદ્ધ આ પ્રકારના જ મહાગઠબંધનનું આહ્વાન કર્યું છે. ત્રણ લોકસભા સીટો- બલ્લારી, શિવમોગા, અને માંડ્યા સાથએ જ રામનગર અને જામખંડી વિધાનસભા ક્ષેત્રોમાં આજે મતદાન થઈ રહ્યું છે.

મતદાન માટેના આશરે 6,450 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને કુલ 54,54,275 મતદાતા છે. તમામ પાંચ ક્ષેત્રોમાં 31 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. મુખ્ય મુકાબલો કોંગ્રેસ-જેડીએ ગઠબંધન અને ભાજપ વચ્ચે છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે મારો દિકરો શિમોગાથી 101 ટકા ચૂંટણી જીતવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે અમે બેલ્લારી અને જામખંડીમાં પણ જીતીશું.

આ પહેલા ચૂંટણી માટે બે દિવસ પહેલા ભાજપને તે સમયે ઝાટકો લાગ્યો હતો જ્યારે કર્ણાટકમાં રામનગર વિધાનસભા ઉપચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એલ. ચંદ્રશેખરે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જતા રહ્યા હતા.