કર્ણાટકઃ કુમારસ્વામીના શપથ પહેલા કોંગ્રેસમાં નવું સંકટ આવ્યું…

0
2493

બેંગાલુરુ– કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળ-સેક્યુલર(જેડીએસ) સરકાર બનાવવા જઈ રહી છે. એચડી કુમારસ્વામી બુધવારે મુખ્યપ્રધાન પદના શપથ લેશે. દલિત ચેહેરાને ડેપ્યુટી સીએમ બનાવવાની રેસમાં સૌથી આગળ કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરનું નામ ચાલી રહ્યું છે. જેડીએસે એક મુસ્લિમને ડેપ્યુટી સીએમ બનાવવાનું કાર્ડ ફેંક્યું છે. તો બીજી તરફ લિંગાયત સમુદાયમાંથી પણ ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ કોંગ્રેસમાં ઉઠી છે.લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારત વીરશૈવ મહાસભાના નેતા તિપ્પાનાએ ખુલ્લો પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ કરી છે. તિપ્પાનાએ કહ્યું છે કે ભાજપમાં જવાની તેમને પણ ઓફર મળી હતી, પણ તેઓ કોંગ્રેસ પાર્ટીને છોડી ને ગયા નથી. આ સંજોગોમાં પાર્ટી તેમને ઉપમુખ્યપ્રધાન બનાવે.

દાવળગેરે દક્ષિણ વિધાનસભા બેઠક પરથી શમનૂર શિવશંકરપ્પાએ જીત મેળવી હતી. તેમણે ભાજપના યશવંતરાય જાધવને હરાવ્યા હતા. અખિલ ભારત વીરશૈવ મહાસભાના તેઓ રાષ્ટ્રીય પ્રમુખ છે.કર્ણાટકમાં યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા પછી ભાજપની નજર કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો પર હતી. કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના લિંગાયત નેતા વોક્કલિગા સમુદાયમાંથી આવતાં હોવાથી તેઓ જેડીએસ નેતા કુમારસ્વામીને સીએમ પદ માટે ટેકો આપવાથી નારાજ છે.