કુમારસ્વામી સરકારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો; ભાજપનો સભાત્યાગ

બેંગલુરુ – એચ.ડી. કુમારસ્વામીની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે આજે રાજ્યમાં નવી વિધાનસભામાં મૌખિક મતદાનમાં વિશ્વાસનો પ્રસ્તાવ જીતી લીધો હતો. મતદાન શરૂ થયું એ પહેલાં જ વિપક્ષ ભાજપના સભ્યો સભાત્યાગ કરી ગયા હતા.

વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે અને કુમારસ્વામીની તરફેણમાં મૌખિત મતદાનમાં એ જીતી લેવામાં આવ્યો છે એવી જાહેરાત નવા ચૂંટાયેલા વિધાનસભા સ્પીકર કે.આર. રમેશ કુમારે કરી હતી.

આ સાથે રાજ્યમાં જનતા દળ (સેક્યૂલર) અને કોંગ્રેસની ગઠબંધન સરકાર સત્તારૂઢ થઈ છે. આ ગઠબંધનના 116 સભ્યોએ વિશ્વાસના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો. સરકાર રચવા માટે 111 સભ્યો હોવા જરૂરી છે. આમાં જેડીએના 36, કોંગ્રેસના 77, બહુજન સમાજ પાર્ટી, કર્ણાટક પ્રજ્ઞાવંત જનતા પાર્ટી તથા એક અપક્ષ વિધાનસભ્યનો સમાવેશ થાય છે.

સ્પીકર કુમારે મત આપ્યો નહોતો.

જનતા દળ સેક્યુલર (JDS) અને કોંગ્રેસ-બસપાના નેતાઓની હાજરીમાં ગત બુધવારે કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.ગઠબંધન સરકારમાં કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે, જ્યારે કુમારસ્વામીની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS) પાસે 38 ધારાસભ્યો બસપાનો એક ધારાસભ્ય છે. ગઠબંધન સરકારને KPNPના ધારાસભ્ય અને અપક્ષ ધારાસભ્યએ પણ ટેકાની જાહેરાત કરી છે. શુક્રવારે બપોરે 12:15 કલાકે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરુ થઈ હતી. અને બપોરે બે વાગ્યે વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરાયો હતો.

મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ કુમારસ્વામીએ વિશ્વાસ મત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, સાથે જ તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, તેમની સરકારને પાડવા માટે ભાજપ ‘ઓપરેશન કમલ’ દોહરાવવાનો પ્રયાસ કરશે.

રાજ્ય સરકાર વિશ્વાસનો મત મેળવે તે પહેલા સ્પીકર માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ તરફથી પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલા સુરેશ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના રમેશ કુમારે સત્તારૂઢ ગઠબંધનના ઉમેદવારના રુપમાં સ્પીકર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બપોરે 12:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થઈ હતી જેમાં રમેશ કુમાર સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]