કર્ણાટક વિધાનસભા ચૂંટણી: 12 મેએ મતદાન, 15 મેએ મતગણતરી

નવી દિલ્હી- કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે ઈલેક્શન કમિશન દ્વારા તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 12 મેના રોજ મતદાન કરવામાં આવશે, અને 15 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં 224 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. હાલમાં આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. અને સિદ્ધારમૈયા પ્રદેશના મુખ્યપ્રધાન છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજ્યમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતના જણાવ્યા મુજબ કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ મતદાતાઓ છે. જેમાંથી 97 ટકા મતદાતાઓને ફોટો ઓળખપત્ર જાહેર કરાયા છે. ચૂંટણીમાં 56 હજાર પોલિંગ બૂથનો ઉપયોગ કરવામાં આવશે. મહિલાઓ અને દિવ્યાંગો માટે વિશેષ સગવડતા કરાશે. તમામ પોલિંગ બૂથ ઉપર EVMની સાથે VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે.

વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, લાઉડસ્પીકરનો ઉપયોગ રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કરી શકાશે નહીં. સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષાબળો પણ તહેનાત કરાશે. ચૂંટણી ખર્ચ ઉપર પણ ચૂંટણી પંચ નજર રખાશે. એક ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 28 લાખ રુપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત દસ્તાવેજ વગરની મોટી રકમ હશે તો તે જપ્ત કરી લેવાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]