ન્યાયમૂર્તિ શરદ બોબડે નિમાયા દેશના નવા ચીફ જસ્ટિસ, 18 નવેંબરથી હોદ્દો સંભાળશે

નવી દિલ્હી – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેને ભારતના નવા 47મા વડા ન્ચાયમૂર્તિ તરીકે આજે નિયુક્ત કર્યા છે.

મૂળ નાગપુરના અને 63 વર્ષના જસ્ટિસ બોબડે વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અનુગામી બન્યા છે. ગોગોઈની મુદત 17 નવેંબરે પૂરી થાય છે અને જસ્ટિસ બોબડે 18 નવેંબરે એમનો હોદ્દો સંભાળી લેશે. 18 નવેંબરે રાષ્ટ્રપતિ જ જસ્ટિસ બોબડેને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાશે.

વિદાય લેનાર દેશના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ (ડાબે) અને એમના અનુગામી જસ્ટિસ શરદ બોબડે

જસ્ટિસ ગોગોઈએ જ એમના અનુગામી તરીકે ગયા મહિને કેન્દ્ર સરકારને જસ્ટિસ બોબડેનું નામ સૂચવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ બોબડેએ એ સમિતિની આગેવાની લીધી હતી જેણે દેશના ચીફ જસ્ટિસ ગોગોઈ સામે જાતીય સતામણીના આરોપોની તપાસ કરી હતી.

દેશના ચીફ જસ્ટિસ તરીકે ન્યાયમૂર્તિ બોબડેની મુદત 18 મહિના સુધીની રહેશે, એટલે કે 2021ની 23 એપ્રિલ સુધીની રહેશે.

ન્યાયમૂર્તિ બોબડે સૌથી લાંબો સમય સુધી ચાલેલા અયોધ્યા ભૂમિ વિવાદ કેસની સુનાવણી કરનાર પાંચ-જજની બંધારણીય બેન્ચના એક સભ્ય હતા. એ કેસમાં હજી ચુકાદો આવવાનો બાકી છે.

ન્યાયમૂર્તિ બોબડે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે અને હાલ મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટીના ચાન્સેલર છે.

ન્યાયમૂર્તિ શરદ બોબડે નાગપુરની એસએફએસ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા અને ત્યારબાદ નાગપુરની લૉ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. 1998માં તેઓ એડવોકેટ બન્યા હતા. એમને 2000ની સાલમાં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2012માં એ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા અને ત્યારબાદ 2013માં એમની બઢતી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કરવામાં આવી હતી.