જસ્ટિસ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટે SIT તપાસની માગ નકારી

નવી દિલ્હી- CBIના વિશેષ જજ બી.એચ.લોયાના મૃત્યુની તપાસ SIT પાસે કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની બેન્ચે કહ્યું કે, અરજીકર્તાએ રાજકીય હિત સાધવા અને પબ્લિસીટી મેળવવા અરજી કરી હોય તેમ લાગે છે, પરંતુ આ માટે તેની પાસે કોઈ નક્કર પુરાવો નથી.સુપ્રીમ કોર્ટની બેન્ચે વધુમાં કહ્યું કે, આ મામલે 4 જજના નિવેદન પર શંકા કરવાનું કોઈ કારણ નથી. કોર્ટે કહ્યું કે આ મામલે ન્યાયપાલિકાને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, આ મામલે SITથી સ્વતંત્ર તપાસ કરાવવાની માગને લઈને કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલ, પત્રકાર બી.એસ.લોન, બોમ્બે લોયર્સ એસોસિએશન સહિત અનેક પક્ષકારોએ અરજી દાખલ કરી હતી. કોર્ટે ગત મહિને આ અંગેની સુનાવણી પૂર્ણ કરી હતી.

જસ્ટિસ લોયાની મોત અંગે મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, સ્વતંત્ર તપાસની માગ કરનારી અરજીઓ રાજનીતિથી પ્રેરિત છે અને કોઈ વ્ચક્તિ વિશેષને ટાર્ગેટ કરીને અરજી કરવામાં આવી છે. જેના જવાબમાં અરજકર્તાનું કહેવું છે કે, જસ્ટિસ લોયા મામલે અત્યાર સુધીમાં જે પ્રકારનો ઘટનાક્રમ થયો છે, તેનાથી નિષ્પક્ષ તપાસની જરુરિયાત વધી ગઈ છે. આપને જણાવી દઈએ કે, 1 ડિસેમ્બર 2014ના રોજ જસ્ટિસ લોયા નાગપુરમાં એક લગ્ન કાર્યક્રમમાં જઈ રહ્યાં ત્યારે હાર્ટ એટેકથી તેમનું મોત થયું હતું.