ભારતના પ્રવાસે જોર્ડન નરેશ, જાણો તેમના ભારત પ્રવાસનું મહત્વ

નવી દિલ્હી- જોર્ડનના રાજા અબ્દુલ્લા બિન અલ હુસૈન દ્વિતીય ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી સાથે ગુરુવારે તેમની ઔપચારિક મુલાકાત થશે. બન્ને દેશો વચ્ચે સુરક્ષા અને આતંકવાદ સહિત અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો જોર્ડન નરેશના ભારત પ્રવાસ દરમિયાન ઈસ્લામિક સ્ટેટ અને અન્ય ચરમપંથી આતંકી સંગઠનો સામે લડવામાં ભારતને મળેલી સફળતાનો ઉલ્લેખ કરવામાં આવશે. જાણીએ કેટલાંક મહત્વના મુદ્દા, જે જોર્ડન નરેશની ભારત યાત્રા સાથે જોડાયેલા છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પેહલાં જ પીએમ મોદી જોર્ડનની રાજધાની ઓમાન થઈને પેલેસ્ટાઈન જવા રવાના થયા હતા. ભારત એવા ઈસ્લામીક દેશો સાથે પોતાના સંબંધ વધારી રહ્યું છે જે કટ્ટરતા અને આતંકવાદના વિરોધી છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા આતંકવાદ સામેની લડાઈમાં ભારત માટે મદદગાર થઈ શકે છે. કશ્મીર મામલે પણ હજી સુધી જોર્ડનનું વલણ નિષ્પક્ષ જોવા મળ્યું છે.

કિંગ અબ્દુલ્લા દ્વિતીય મોહમ્મદ પૈગંબરની 41મી પેઢી સાથે સંબંધ ધરાવે છે. અને જેરુસલેમ સ્થિત ઈસ્લામના ત્રીજા સૌથી મોટા પવિત્ર સ્થળ અલ-અક્સા મસ્જિદના સંરક્ષક છે. કિંગ અબ્દુલ્લા દ્વિતીયએ ઈસ્લામના નામ પર ચાલી રહેલાં કટ્ટરપંથને નાબૂદ કરવા વૈશ્વિકસ્તરે પ્રયાસ કર્યા છે. ઈસ્લામમાં આધુનિકરણની તરણફેણ કરનારા કિંગ અબ્દુલ્લા ભારતમાં ઈસ્લામિક સેન્ટર દ્વારા આયોજીત કાર્યક્રમમાં ‘ઉદાર ઈસ્લામ’ વિષય પર વ્યાખ્યાન આપશે.

રક્ષાક્ષેત્રમાં સહયોગ અંગે જોઈએ તો, ભારત અને જોર્ડન એક સંરક્ષણ કરાર પર ચર્ચા પ્રક્રિયા કરી રહ્યાં છે. જોર્ડનના કિંગની ભારત યાત્રાથી આ ચર્ચા વધુ ઝડપી બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.

જોર્ડન શાંતિપૂર્ણ અને ઉદાર ઈસ્લામની તરફેણ કરતું રહ્યું છે. જોર્ડન અશાંત રહેતા પેલેસ્ટાઈન ક્ષેત્રમાં સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાંત જોર્ડન એવા કેટલાંક મુસ્લિમ દેશો પૈકી એક છે જેનો કૂટનીતિક સંબંધ મધ્ય-પૂર્વ એશિયામાં ભારતના સૌથી મજબૂત સહયોગી ઈઝરાયલ સાથે છે.

જોર્ડન નરેશ અબ્દુલ્લા આ પહેલાં પણ વર્ષ 2006માં ભારત પ્રવાસે આવ્યા હતાં અને તેઓ આ પહેલાં બે વાર પીએમ મોદીને મળી ચૂક્યાં છે. પ્રથમવાર વર્ષ 2016માં UNGA સમ્મેલનમાં અને બીજીવાર જ્યારે પીએમ મોદી પેલેસ્ટાઈન યાત્રા સમયે ઓમાન ગયા હતા ત્યારે. ઉલ્લેખનીય છે કે, કિંગ અબ્દુલ્લાના સહયોગથી ભારત જોર્ડન સાથે તેના સુરક્ષા સંબંધો વધુ મજબૂત કરી શકે છે.