હેકર્સના હુમલાઓથી બચાવવા ‘જિયોમીટ’ને વધારે સુરક્ષિત બનાવાયું

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની વીડિયો કોન્ફરન્સિંગ એપ ‘જિયોમીટ’માં વધારે સુરક્ષા ફીચર જોડ્યા છે. આનો ઉદ્દેશ્ય ઝૂમ જેવી એપ પર થયેલા સાયબર એટેકથી અને હેકરોથી આ એપની સુરક્ષિત કરવાનો છે. ઝૂમ એપ પર થયેલા હેકરોના હુમલામાં લોકોને તેમની સ્ક્રીન પર અભદ્ર ફોટોગ્રાફ્સ દેખાયા હતા. કંપનીએ કહ્યું કે, જિયોમીટ પર ગ્રાહકો 24 કલાક ફ્રી વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. આ એપ કોડ લેંગ્વેજ અને પાસવર્ડથી સુરક્ષિત છે.

કંપનીએ કોન્ફરન્સ આયોજિત કરનારા લોકો માટે વધારે સુરક્ષા ફિચર્સ એડ કર્યા છે. આ સુરક્ષા ફિચર અંતર્ગત તેને લોગ-ઈન વગર અથવા પોતાની ઓળખ જાહેર કર્યા વગર કોન્ફરન્સમાં જોડાનાર લોકોને રોકવાનો અધિકાર મળે છે.

સૂત્રોએ જણાવ્યું કે, જિયોમીટે બધા માટે પોતાનું પરિચાલન શરુ કર્યાના એક સપ્તાહની અંદર જ સુરક્ષા સાથે જોડાયેલા કેટલાય ફીચર્સ જોડ્યા છે. ઝૂમ મામલે મળેલી વિગતોને જોતા કંપનીએ કેટલાક મહત્વના અને જરુરી પગલા ભર્યા છે. કંપનીએ કહ્યું છે કે, જિયોમીટનું અપડેટેડ વર્ઝન હવે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપ્લબ્ધ છે.