ઝારખંડમાં NRC લાગુ કરવા સુપ્રીમ કોર્ટ જશે રાજ્ય સરકાર

રાંચી- આસામમાં NRC બાદ હવે ઝારખંડ સરકારે પણ રાજ્યમાં NRC માટે મન બનાવી લીધું છે. ઝારખંડમાં NRCનો અમલ કરાવવા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જવા તૈયારી શરુ કરી દીધી છે. રાજ્યના મુખ્યપ્રધાન રઘુબર દાસ તેમજ મુખ્ય સચિવ અને ગૃહ સચિવે સુપ્રીમ કોર્ટમાં આસામમાં ચાલી રહેલા NRC મામલામાં ઝારખંડ તરફથી પણ પિટીશન દાખલ કરવા જણાવ્યું છે.મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન રઘુબર દાસની સૂચનાઓ બાદ રાજ્યના ગૃહ વિભાગે આ અંગેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં આ અંગે પિટીશન દાખલ કરીને NRC લાગૂ કરવા માગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આસામની જેમ ઝારખંડમાં પણ NRC લાગુ કરવા રાજ્ય સરકારે પહેલેથી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે.

આ અંગેનો પ્રથમ પત્ર ઝારખંડ સરકારના ગૃહ વિભાગે ભારત સરકારને 10 જાન્યુઆરી 2018ના રોજ મોકલ્યો હતો. ત્યારબાદ ગત 25 જુલાઈના રોજ એક રિમાઈન્ડર પણ મોકલવામાં આવ્યું હતું. અને NRC લાગૂ કરવા માટે પરવાનગી માગવામાં આવી હતી. જોકે હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

સરકારી રિપોર્ટ પ્રમાણે રાજ્યના સંથાલ પરગણાના સાહિબગંજ અને પાકુડ જિલ્લામાં સૌથી વધુ ઘૂસણખોર છે. આસામની જેમ NRC લાગૂ કરવા માટે ઝારખંડ સરકારે આ જિલ્લાઓ માટે પરવાનગી માગી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ભારત સરકારને મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સંથાલ પરગણાના સાહિબગંજ અને પાકુડ જિલ્લાઓ બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા હોવાથી અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરો અનેક વખત આવે છે.