જેલમાં જ ઉજવાશે લાલૂપ્રસાદની હોળી, હાઈકોર્ટે જામીન અરજી નામંજૂર કરી

પટના- ઘાસચારા કૌભાંડમાં હાલમાં જેલમાં બંધ બિહારના પૂર્વ સીએમ લાલૂપ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝાટકો મળ્યો છે. હાઈકોર્ટે દેવધર કોષાગાર મામલામાં ઘટનાને ગંભીર ગણાવતા લાલૂપ્રસાદ યાદવની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી કહી શકાય કે, હવે લાલૂપ્રસાદ યાદવની આ વર્ષની હોળી જેલમાં જ ઉજવાશે.લાલૂપ્રસાદની જામીન અરજીને નામંજૂર કરતાં હાઈકોર્ટે કહ્યું કે, મામલામાં જ્યાં સુધી અડધી સજા પુરી થાય નહીં ત્યાં સુધી જામીન અરજી પર વિચાર કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, દેવધર કોષાગાર મામલામાં CBIની વિશેષ અદાલતે લાલૂપ્રસાદ યાદવને સાડાત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. જેથી લાલૂપ્રસાદ યાદવને ઓછામાં ઓછા 21 મહિના જેલમાં વિતાવ્યા બાદ જ તેની જામીન અરજી પર હાઈકોર્ટ સુનાવણી કરશે.

આપને જણાવી દઈએ કે, બિહારના પૂર્વ સીએમ અને RJD સુપ્રીમો લાલૂપ્રસાદે જામીન મેળવવા ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જોકે હાઈકોર્ટે લાલૂપ્રસાદની અરજી નામંજૂર કરી છે. જેથી હાલ તુરંત લાલૂપ્રસાદના જેલમાંથી બહાર આવવાની કોઈ શક્યતા જણાઈ નથી રહી. આ ઉપરાંત ચાઈબાસા મામલામાં લાલૂપ્રસાદ યાદવે દાખલ કરેલી જામીન અરજી પર 9 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં CBIની વિશેષ અદાલતે લાલૂપ્રસાદને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]