ક્રૂ મેમ્બર્સની ભૂલથી પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા, નાક-કાનમાંથી નીકળ્યું લોહી

મુંબઈ- મુંબઈથી જયપુર જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના સર્જાતા સ્હેજમાં રહી ગઈ. ક્રૂ મેમ્બર્સની એક ભૂલને કારણે ફ્લાઈટને જયપુર પહોંચે તે પહેલાં મુંબઈ પરત લઈ જવી પડી હતી. મળતી માહિતી મુજબ ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટની કેબિનની પ્રેશર સ્વિચ મેન્ટેન કરવાનું ભૂલી ગયા હતા જેના કારણે આ ઘટના બની હતી.જેટ એરવેઝની ફ્લાઈટમાં 166 યાત્રી સવાર હતા. ક્રૂ મેમ્બર્સની ભૂલને કારણે કેબિનનું પ્રેશર ઘટી જતાં 30 જેટલા પ્રવાસીઓના નાક-કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત અનેક પ્રવાસીઓને માથાના દુખાવાની પણ ફરિયાદ થઈ હતી. ફ્લાઈટને મુંબઈ પરત લવાયા બાદ તમામનો ઈલાજ મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ જેટ એરવેઝની ફ્લાઈટ 9W 697 મુંબઈથી જયપુર જવા રવાના થઈ હતી. આ સમયે કેબિન ક્રૂ સ્વિચ ઓન કરવાનું ભૂલી જતાં કેબિનનો ઓક્સીજન મેઈનટેઈન થઈ શક્યો નહતો. અને કેટલાંક પ્રવાસીઓને નાક અને કાનમાંથી લોહી નીકળવાની ફરિયાદ થઈ હતી. દુર્ઘટના બાદ DGCAએ દ્વારા ક્રૂ મેમ્બર્સને રોસ્ટરમાંથી હટાવી દેવાયા છે. સાથે જ બે પાઇલટને પણ હટાવી દેવામાં આવ્યાં છે.

આ ઘટના બાદ જેટ એરવેઝ દ્વારા સ્પષ્ટતા જાહેર કરતું નિવેદન બહાર પડવામાં આવ્યું હતું. જેટ એરવેઝે જણાવ્યું કે, પ્રવાસીઓને તકલફ થયા બાદ ફ્લાઈટને પરત મુંબઈ લાવવામાં આવી હતી. ફ્લાઈટમાં 166 યાત્રી અને 5 ક્રૂ મેમ્બર્સ હતા. જે યાત્રિકોને તકલીફ થઈ છે તેમનો ઈલાજ કરવામાં આવ્યો છે. અને તમામ પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]