જૈશના ત્રાસવાદીઓ સમુદ્રમાર્ગે ભારતમાં મોટો હુમલો કરવાની તજવીજમાં: નૌકાદળના વડાની ચેતવણી

પુણે – પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તેની એક ‘અન્ડરવોટર શાખા’ના આતંકવાદીઓને ભારતમાં હુમલો કરવાની તાલીમ આપી રહ્યું છે, પરંતુ એવા કોઈ પણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે સજ્જ છે, એમ નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહે અહીં જણાવ્યું છે.

એમણે કહ્યું કે દેશની સમુદ્રીસીમાઓનું રક્ષણ કરતી તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે કે સમુદ્ર માર્ગે કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી ન થાય એની તેઓ તકેદારી રાખે.

કરમબીર સિંહે કહ્યું કે અમને ગુપ્તચર વિભાગ તરફથી જાણકારી મળી છે કે જૈશ-એ-મોહમ્મદની અન્ડરવોટર વિંગ તેના મારાઓને સમુદ્રમાર્ગે ભારતમાં હુમલો કરવાની તાલીમ આપે છે. પરંતુ એવા કોઈ પણ હુમલાને ખાળવા માટે અમે સંપૂર્ણપણે સજ્જ છીએ.

2008માં પાકિસ્તાનમાંથી 10 ત્રાસવાદીઓ સમુદ્ર માર્ગે જ ભારતમાં ઘૂસ્યા હતા અને પછી મુંબઈમાં ભયાનક હુમલા કર્યા હતા ત્યારપછી ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત બનાવાઈ છે? એ વિશેના સવાલના જવાબમાં કરમબીર સિંહે કહ્યું કે ભારતની દરિયાઈ સુરક્ષા હવે સંપૂર્ણપણે નૌકાદળના હાથમાં સોંપવામાં આવી છે. સમુદ્ર માર્ગે ભારતમાં કોઈ પ્રકારની ઘૂસણખોરી ન થાય એ માટે ભારતીય નૌકાદળ, મેરિટાઈમ પોલીસ, રાજ્ય સરકારો તથા અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.

એડમિરલ કરમબીર સિંહે ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ બી.સી. જોશીની યાદીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.