‘દેશદ્રોહી બોલવાથી મને કોઈ ફરક નહીં પડે, પાકિસ્તાન સાથે યુદ્ધ નહીં ચર્ચા કરો’

શ્રીનગર- સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલા બાદ સોમવારે શ્રીનગરના કરણ નગરમાં પણ CRPF મુખ્યાલય પાસે આતંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે CRPFના જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં સેનાના જવાન સહિત સ્થાનિક નાગરિકનું પણ મોત થયું હતું. રાજ્યમાં સતત થઈ રહેલી હિંસા બાદ પણ જમ્મુ-કશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન સાથે ચર્ચા દ્વારા સમાધાન લાવવાની વાત જણાવી છે.જમ્મુ-કશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું કે, કશ્મીરમાં શાંતિ ઈચ્છતા હોય તો, પાકિસ્તાન સાથે ચર્ચા જરુરી છે’. વધુમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મને ખબર છે કે, પાકિસ્તાન સાથે ચર્ચાની તરફેણ કરાયા બાદ મને ટીવી ચેનલો અને મીડિયા દ્વારા દેશદ્રોહીનું નામ આપવામાં આવશે પરંતુ મને તેનાથી કોઈ ફરક નથી પડતો. રાજ્યની જનતા આતંકવાદથી પરેશાન છે ત્યારે પાકિસ્તાન સાથે ચર્ચા એકમાત્ર વિકલ્પ છે.મહત્વનું છે કે, જમ્મુ-કશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી આ પહેલા પણ અનેકવાર પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની તરફેણ કરી ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કશ્મીરમાં આતંકીઓની હાલની પ્રવૃત્તિ બાદ સેનાએ ‘ઓપરેશન ક્લિનિંગ’ શરુ કર્યું છે. સુંજવાન હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા.