નવી દિલ્હી- કશ્મીરમાં આતંકી ગતિવિધિ અને પથ્થરબાજી વચ્ચે હવે ભારતીય સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવતા ભારતની જાસુસી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ટેરર ફન્ડિંગમાં સેડોવાયેલા લોકો વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં હોવાની વાત સામે આવ્યા બાદ અને ઉત્તરપ્રદેશમાં શંકાના તાર પહોંચ્યા બાદ સઘન તપાસ શરુ કરવામાં આવી છે.બીજી તરફ કશ્મીર ઘાટીમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ દરમિયાન વ્હોટ્સએપના માધ્યમથી ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ દ્વારા ટોળું એકઠું કરવાની વાત સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ આ વ્હોટ્સએપ ગ્રુપના સંચાલકો અને તેમાં જોડાયેલા લોકોની યાદીની વિગતવાગ તપાસ કરવાની શરુઆત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, કશ્મીર ઘાટીના શોપિયાં અને અનંતનાગ જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ દરમિયાન મોટી સંખ્યામાં પથ્થરબાજીની ઘટના સામે આવી હતી. સેનાની કાર્યવાહી દરમિયાન પથ્થરબાજોને કાબુમાં લેવા CRPFને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એકાએક સર્જાયેલી ભીડ માટે એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે, અથડામણના સ્થળે આટલી મોટી સંખ્યામાં ભીડ કેવી રીતે ભેગી થઈ?
માનવામાં આવી રહ્યું છે કે, આ બધા લોકોને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભેગા કરવામાં આવ્યા હતા. વર્ષ 2016 અને 2017માં પણ આ પ્રકારની ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં સેના પર પથ્થરમારો કરવા માટે ભીડને ભેગી કરવામાં આવી હતી. આ વખતની ભીડને ભેગી કરવામાં પાકિસ્તાનની સંડોવણી અંગેના સવાલ પર સેનાના અધિકારીએ જણાવ્યું કે, તેને ટ્રેક કરવા માટે એક અલગ પ્રોસેસ હોય છે. જેના દ્વારા સમય સમય પર આ પ્રકારની ગતિવિધિઓને મોનિટર કરવામાં આવે છે.