જામિયા હિંસામાં પોલીસે જેમની ધરપકડ કરી તેમાંથી કોઇ વિદ્યાર્થી નથી

નવી દિલ્હી: જામિયામાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, આગચંપી અને તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે તથા તેમાંથી ત્રણ તો એવા લોકો છે તે વિસ્તારના બેડ કેરેક્ટર જાહેર થયેલા છે. પકડેલા આરોપીઓમાંથી કોઈ વિદ્યાર્થી નથી.

સાઉથ દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસે 2 એફઆઈઆર દાખલ કરી હતી. 

પોલીસને શક છે કે જામિયાના આઈડી કાર્ડ બનાવીને કેટલાક પ્રદર્શનકારીઓ સામેલ થયા હતાં. અસલી વિદ્યાર્થીઓ કરતા આવા નકલી વિદ્યાર્થીઓનો હિંસા ભડકાવવામાં વધુ હાથ હતો. અટકાયતમાં લેવાયેલા આવા 51 વિદ્યાર્થીઓની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જેમાંથી 36ને કાલકાજીથી અને 15ને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાંથી પકડવામાં આવ્યાં છે.

પોલીસે જણાવ્યું કે આનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. તો દિલ્હીના જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં પોલીસ કાર્યવાહી અને વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા છે. પ્રદર્શનનું સમર્થન નેતા અને સામાજિક કાર્યકરો પણ કરી રહ્યા છે. ક્યાંક આ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું તો ક્યાંક આ પ્રદર્શને હિંસાનું રુપ લઈ લીધું છે.