‘મોદી-રાજમાં મુસ્લિમોની દુર્દશા છે’: ઈમામ બુખારીએ રાહુલ ગાંધીને લેખિતમાં જણાવ્યું

નવી દિલ્હી – અત્રેની જામા મસ્જિદના ઈમામ બુખારીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે દેશમાં વસતા 25 કરોડ મુસ્લિમો પર (કથિતપણે) થઈ રહેલા અત્યાચારો અંગે તમે તમારી પાર્ટીનું વલણ સ્પષ્ટ કરો.

પત્રમાં ઈમામે કહ્યું છે કે દેશમાં હાલ મુસ્લિમોની હાલત છેલ્લા સાત દાયકાની સરખામણીમાં વધારે ખરાબ છે.

ઈમામે નિર્દેશ કર્યો છે કે મોબ લિંચિંગના કેસોમાં 64 નિર્દોષ મુસ્લિમોની હત્યા કરવામાં આવી છે. હાલ સરકાર અમારી સાથે જે વ્યવહાર કરી રહી છે એ વિશે તમારું શું કહેવું છે?

ઈમામે કહ્યું છે કે માથા પર સ્કલ કેપ પહેરીને ઘરની બહાર નીકળવાનું અને દાઢી રાખવાનું મુસ્લિમ યુવાનો માટે મુશ્કેલ બની ગયું છે.

બુખારીએ આ પત્ર રાહુલે અમુક દિવસો પહેલાં કરેલી એક કમેન્ટને પગલે લખ્યો છે. રાહુલે મુસ્લિમ વિદ્વાનો સાથેની એક બેઠકમાં એમ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની પાર્ટી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલના એ કથિત નિવેદન પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે હું રાહુલને એ પૂછવા માગું છું કે તમારી ગ્રેન્ડ ઓલ્ડ પાર્ટી માત્ર મુસ્લિમ પુરુષો માટે છે કે મુસ્લિમ મહિલાઓ માટે પણ છે?