ઓફિસમાં ફેશનેબલ કપડાં પહેરીને આવવું નહીં: ઈન્કમ ટેક્સ કર્મચારીઓને ફરમાન

નવી દિલ્હી – ઈન્કમ ટેક્સ વિભાગે જાહેરાત કરી છે કે એણે ‘ઓપરેશન ડ્રેસ કોડ’ અમલમાં મૂકીને પોતાના કર્મચારીઓ માટે ડ્રેસની આચારસંહિતા લાગુ કરી છે.

આ સત્તાવાર ઓર્ડર વિભાગના દિલ્હી કાર્યાલયના પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ તરફથી આવ્યો છે.

એમાં જણાવવામાં આવ્યું છે કે તમામ અધિકારીઓ, સ્ટાફના સભ્યો તથા અન્ય અધિકારીઓએ સુઘડ, સ્વચ્છ અને સિમ્પલ વસ્ત્રો પહેરવાં.

ટૂંકમાં, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફરમાન કરાયું છે કે એમણે ફેશનેબલ કપડાં પહેરીને ઓફિસમાં આવવું નહીં. જો કર્મચારીઓ આ ઓર્ડરનું ઉલ્લંઘન કરશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે વિભાગના ઘણા કર્મચારીઓ, ખાસ કરીને યુવા સભ્યો અનુચિત ડ્રેસ પહેરીને આવતા હોય છે, જેની એમની પાસેથી આશા રાખવામાં આવતી નથી. તમામ અધિકારીઓ, તથા સ્ટાફના સભ્યોએ ઉચિત, પદ્ધતિસર, સ્વચ્છ, સુઘડ અને વ્યવસ્થિત વસ્ત્રો પહેરીને ઓફિસે આવવું જોઈએ. ઓફિસમાં એમણે પાર્ટીને લગતાં કે અણઘડ કપડાં પહેરીને આવવાનું ટાળવું.

કાર્યાલયોમાં ઉચ્ચ ધોરણની આચારસંહિતા અને શિષ્ટાચાર, ઔચિત્ય જળવાઈ રહે અને કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે એવા પ્રકારનો માહોલ તૈયાર કરવા તથા એ જાળવી રાખવા માટે ઈન્કમ ટેક્સ વિભાગ કૃતનિશ્ચયી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) વિભાગના એક અધિકારીએ આ ઓર્ડરને સમર્થન આપ્યું છે.

ઓર્ડરનું પાલન ન કરનાર સ્ત્રી કે પુરુષ કર્મચારીને ઘેર પાછા મોકલી દેવામાં આવશે અને સૂચનાનુસારનો ડ્રેસ પહેરીને પાછા આવવા જણાવવામાં આવશે.