ફોની મામલે તંત્રની સફળતાના ખરા હકદાર છે આ પાંચ સેટેલાઈટ, મોટી ભૂમિકા

નવી દિલ્હીઃ ચક્રવાત ફોની ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા વિસ્તારોમાં કેર વરસાવ્યો હતો. પરંતુ આ મામલે પહેલાં જ મળેલી જાણકારીઓના પરિણામે ખૂબ મોટી જાનહાની અને નુકસાન થતા બચાવી લેવાયું. એક સપ્તાહ પહેલા વૈજ્ઞાનિકોએ દક્ષિણ હિંદ મહાસાગરમાં સર્જાયેલી લો પ્રેશરની સ્થિતિને ઓળખી કાઢી હતી. પાંચ ભારતીય સેટેલાઈટે આ લો પ્રેશર ક્ષેત્ર પર સતત નજર રાખી અને સતત મળી રહેલી માહિતીના કારણે આગોતરા આયોજનો કરી શકાયાં હતાં. જેની પ્રશંસા પરદેશમાં પણ થઈ હતી.

ફોની જ્યારે અત્યંત વિનાશક ચક્રવાતનું રૂપ ધારણ કરી રહ્યું હતું, ત્યારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા મોકલવામાં આવતા સેટેલાઈટ દર 15 મિનિટે ગ્રાઉન્ડ સ્ટેશન પર ડેટા મોકલી રહ્યાં હતાં. આ ડેટાથી ફોનીને ટ્રેક કરવા, તેની ગતિવિધિ જાણાવમાં સચોટ અનુમાન લગાવી શકાયું હતું અને લાખો લોકોનું જીવન બચાવવામાં મદદ મળી હતી.

ભારતીય હવામાન વિભાગે ફોનીની તીવ્રતા, લોકેશન અને આસ-પાસ વાદળોના અભ્યાસ માટે Insat-3D, Insat-3DR, Scatsat-1, Oceansat-2 મેઘા ટ્રોપિક્સ સેટેલાઈટ્સ દ્વારા મોકલવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરાયો હતો. ફોનીના મધ્યમાં 1,000 કિ.મીના ક્ષેત્રમાં વાદળો છવાયેલા હતા, પરંતુ વરસાદ વાળા વાદળ માત્ર 100થી 200 કિ.મીના દાયરામાં જ હતા. બાકીના વાદળો 10 હજાર ફૂટની ઊંચાઈ પર હતા. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કે જે રમેશે જણાવ્યું કે ચક્રવાતના પૂર્વાનુમાન માટે સેટેલાઈટ્સની મહત્વની ભૂમિકા રહી હતી. આ સેટેલાઈટ્સે ચક્રવાત દરમિયાન મોકલેલા ડેટા સચોટ પુરવાર થયા હતા અને રાહત તેમજ બચાવ કાર્યમાં પણ ઘણી મદદ મળી હતી.

સેટેલાઈટના ડેટા મુજબ હવામાન વિભાગે ફોની ક્યાં ઉતરશે તેનું સચોટ પૂર્વાનુમાન લગાવ્યું હતું. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી 11.5 લાખ લોકોનું સ્થળાંતર કરી લેવાયું હતું. ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યો આ ચક્રવાતથી પ્રભાવિત થયા હતા. Scatsat-1 દ્વારા મોકલવામાં આવેલા ડેટાથી ફણી વાવાઝોડાના મુખ્ય કેન્દ્ર પર નજર રખાઈ હતી, જ્યારે Oceansat-2એ સમુદ્રની સપાટી, હવાની ઝડપ અને દિશા અંગે ડેટા મોકલ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]