ઈસરોની એક વધુ ખ્યાતિઃ PSLV રોકેટે ડીફેન્સ સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ આજે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. અત્રેના સતિષ ધવન સ્પેસ સેન્ટર  ખાતેથી બપોરે 3.25 વાગ્યે એણે રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1ને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ કૃત્રિમ ઉપગ્રહને PLSV-C48 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો છે. PLSV-C48 રોકેટનું આ 50મું ઉડાણ હતું.

સંરક્ષણ હેતુઓ માટે ઉપયોગી થનાર એવા આ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાંથી પૃથ્વીની તસવીરો ખેંચવાની ઈસરો સંસ્થાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે.

PLSV-C48 રોકેટે આ જાસૂસી સેટેલાઈટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકી દીધો હતો. આ રોકેટ પોતાની સાથે બીજા 9 દેશોના કમર્શિયલ સેટેલાઈટ્સને પણ લઈ ગયું હતું અને એ બધાયને ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળતા મેળવી હતી.

આ રોકેટ 44.4 મીટર લાંબું હતું. સ્પેસપોર્ટ ખાતેના લોન્ચ પેડ પરથી એ મોટા અવાજ સાથે ઉંચકાયું હતું અને પોતાની પાછળ ધૂમાળાના ગોટેગોટા છોડીને જોરદાર ગતિ સાથે અવકાશ ભણી રવાના થયું હતું.

લિફ્ટ-ઓફ્ફ થયાની 16-મિનિટ બાદ રોકેટે  RISAT-2BR1 સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મૂકી દીધો હતો. અને તેની પાંચ મિનિટ બાદ અન્ય 9 વિદેશી સેટેલાઈટ્સને પણ ભ્રમણકક્ષામાં પૂર્વ નિર્ધાર્યા મુજબ મૂકી દીધા હતા.

રોકેટની સફળતા જોઈને ઈસરોના ચેરમેન કે. સિવન તથા અન્ય વિજ્ઞાનીઓએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.

બાદમાં, મિશન કન્ટ્રોલ સેન્ટર ખાતેથી પત્રકારો સાથે વાતચીત કરતાં સિવને કહ્યું હતું કે આજનું મિશન ઐતિહાસિક હતું, કારણ કે એ રોકેટ PSLVની 50મી ફ્લાઈટવાળું હતું.

9 વિદેશી સેટેલાઈટ્સમાં 6 અમેરિકાના હતા જ્યારે એક ઈટાલીનો, એક જાપાનનો તથા એક ઈઝરાયલનો હતો. આ બધા સેટેલાઈટ્સ અવકાશમાંથી પૃથ્વીનું નિરીક્ષણ કરીને તસવીરો પાડીને પૃથ્વી પરના પોતપોતાના કેન્દ્રોને મોકલશે.

2019ની સાલમાં ઈસરોએ લોન્ચ કરેલું આ છઠ્ઠું મિશન છે. RISAT-2BR1 મિશનનું આયુષ્ય પાંચ વર્ષનું છે.

ઈસરોના કુલ 50 મિશનમાંથી 48 સફળ રહ્યા છે. PSLV રોકેટે અત્યાર સુધીમાં 310 જેટલા વિદેશી સેટેલાઈટ્સને અવકાશમાં લોન્ચ કરી બતાવ્યા છે. પહેલું મિશન 1993ના સપ્ટેંબરમાં હાથ ધરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]