ISROની વધુ એક સફળતા, PSLV C-43 સાથે 31 ઉપગ્રહ કર્યા લોન્ચ

નવી દિલ્હી- ઈસરોની સફળતામાં વધુ એક અધ્યાય ઉમેરાઈ ગયો છે. ઈસરોએ PSLV C-43 દ્વારા આજે 31 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યાં છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી સવારે ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવ્યાં છે. જેમાં ભારતના હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહોનો સમાવોશ કરવામાં આવ્યો છે. અન્ય 30 ઉપગ્રહોને 504 કિમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યાં છે.વિદેશી ઉપગ્રોમાં 23 અમેરિકાના છે. PSLVની આ 45મી ઉડાન છે. ઉલ્લેખનીય છે કે, લોન્ચિંગનું કાઉન્ટડાઉન બુધવારે સવારે 5.58 વાગ્યાથી શરુ કરવામાં આવ્યું હતું. ભારતના HySIS મિશનનો આ પ્રાથમિક ઉપગ્રહ છે. ઈમેજિંગ સેટેલાઈટ ઈસરો દ્વારા વિકસાવવામાં આવ્યો છે.

આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટી સાથે ઈલેક્ટ્રોમેગ્નિટિક સ્પેક્ટ્રિમાં ઈન્ફ્રારેડ અને શોર્ટ વેવ ઈન્ફ્રારેડ ફિલ્ડનું અધ્યયન કરવાનો છે. ઈસરોએ જણાવ્યું કે, આ ઉપગ્રહોના લોન્ચિંગ માટે વાણિજ્યિક અંગ સાથે કરાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, PSLV એ ઈસરોની ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે.HySISની સાથે 30 વિદેશી ઉપગ્રહો જે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે તેમાં એક માઈક્રો અને 29 નેનો સેટેલાઈટ છે. આ ઉપગ્રહો 8 દેશોના છે. જેમાં અમેરિકાના 23, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના એક-એક ઉપગ્રહ સામેલ છે.