IRCTCએ કર્યો ટ્રેનમાં સૂવાના સમયમાં બદલાવ, લોકોએ PM મોદીને ટ્વીટ કરી ઠાલવ્યો રોષ

નવી દિલ્હી- ટ્રેનની અંદર આરક્ષિત કોચમાં નીચેની સીટ અને વચ્ચેની સીટના પ્રવાસીઓમાં સૂવાની વાતને લઈને ઝગડો થવો સામાન્ય બાબત છે. જેને ધ્યાનમાં રાખીને IRCTCએ પ્રવાસીઓને સૂવા માટે નિર્ધારિત સમયમાંથી એક કલાક ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

રેલવે દ્વારા 31 ઓગસ્ટના રોજ જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ આરક્ષિત કોચમાં નીચેની સીટ ઉપર પ્રાવાસીઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન સૂઈ શકશે. ત્યારબાદ તેણે એવા પ્રવાસીઓને પોતાની બેઠક બેસવા માટે આપવી પડશે જેના મધ્ય અને ઉપરની સીટ ફાળવવામાં આવી છે.

આ પહેલા આરક્ષિત કોચમાં સૂવા માટે IRCTC દ્વારા રાતના 9થી સવારના 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, IRCTCના નવા પરિપત્ર મુજબ રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નીચેની સીટ ઉપર ઉપરની બર્થના પ્રવાસીનો દાવો માન્ય ગણાશે નહીં.

જોકે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બીમાર અને અશક્ત યાત્રી, વિકલાંગ યાત્રી તેમજ ગર્ભવતી મહિલાઓ સાથે અન્ય પ્રવાસીઓએ સહકારભર્યો વ્યવહાર કરવો અને જો તેઓ વધુ સમય સૂવા ઈચ્છે તો તેમને સૂવા દેવા.

રેલવેના આ નિયમની લોકોએ ટ્વીટર ઉપર ખૂબ મજાક ઉડાવી છે. તો કેટલાક લોકોએ પીએમ મોદીને ટ્વીટ કરીને પોતાનો રોષ પણ ઠાલવ્યો છે. કેટલાક લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જો ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં મોડી હોય અને મુસાફરી રાત્રે 11 વાગ્યે શરુ થાય તો પ્રવાસીઓને સવારે 7 વાગ્યા સુધી સૂવા મળશે કે કેમ?