દિવાળી બમ્પરઃ અણુસબમરીન અરિહંતે દરિયાઈ તાકાત પણ સાબિત કરી દીધી

મુંબઈ – આજે સમગ્ર દેશ જ્યારે દિવાળીનું પવિત્ર પર્વ ઉજવી રહ્યો છે ત્યારે ભારતીય નૌકાદળે એક મોટી, મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં મોટું આગેકદમ ભર્યું છે. ભારતની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીવાળી અણુ સબમરીન આઈએનએસ અરિહંત દરિયાઈ હુમલા માટે પણ હવે સજ્જ થઈ ગઈ છે અને એને નૌકાદળમાં સામેલ કરી દેવામાં આવી છે. અરિહંતે તેની પ્રથમ ડેટરન્ટ પેટ્રોલિંગ ક્ષમતા સફળતાપૂર્વક સંપન્ન કરી લીધી છે. આ સાથે ભારત હવે જમીન, આકાશ તથા સમુદ્રની અંદરથી, એમ ત્રણેય બાજુએથી દુશ્મન પર અણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતો દેશ બની ગયો છે.

ભારતની પ્રથમ અણુ બેલિસ્ટિક મિસાઈલથી સુસજ્જ સબમરીન આઈએનએસ અરિહંતે હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી એ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ અરિહંત પરના જવાનોના દળને અભિનંદન આપ્યા છે.

આઈએનએનસ અરિહંતની અજમાયશ પૂરી થતાં હવે સમુદ્રની અંદર પણ ભારતની અણુતાકાતને થપ્પો લાગી ગયો છે. ભારત આ પહેલાં આ સબમરીન દ્વારા જમીન પર તેમજ આકાશમાં પોતાની અણુ હુમલા ક્ષમતા સાબિત કરી ચૂક્યું હતું અને આજે સમુદ્રની અંદરની તાકાત પણ દુનિયાને બતાવી દીધી છે.

ડેટરન્સ પેટ્રોલ કામગીરી સંપન્ન થઈ એ પ્રસંગે વડા પ્રધાન નવી દિલ્હીમાં આઈએનએસ અરિહંતના જવાનોને સંબોધિત કર્યા હતા અને કહ્યું કે, અણુ સબમરીન આઈએનએસ અરિહંત ભારતનું ગૌરવ છે. હું આ કામગીરીમાં સામેલ થયેલા તમામને, ખાસ કરીને અરિહંતના ક્રૂ સભ્યોને અભિનંદન આપું છું. આ સિદ્ધિ આપણા દેશના ઈતિહાસમાં કાયમને માટે યાદગાર બની રહેશે.

વડા પ્રધાને કહ્યું કે આજના અણુ યુગમાં ભરોસાપાત્ર અણુ તાકાત હોવી ખૂબ જરૂરી છે. આઈએનએસ અરિહંત હવે અણુતાકાત મુદ્દે બ્લેકમેલ કરનારાઓને જડબાતોડ જવાબ આપશે.

httpss://twitter.com/narendramodi/status/1059361293579124736

મોદીએ કહ્યું કે, આઈએનએસ અરિહંતની સફળતાએ ભારતની સુરક્ષા ક્ષમતાને વિસ્તારી દીધી છે. આપણા દેશ માટે આ એક મોટી સિદ્ધિ છે. આઈએનએસ અરિહંત એના નામ મુજબ જ 130 કરોડ ભારતીયોને બાહ્ય જોખમ સામે રક્ષણ પૂરું પાડશે અને આ વિસ્તારમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવામાં યોગદાન આપશે.

અરિહંત સબમરીનને વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના સીધા કન્ટ્રોલ હેઠળના અત્યંત ખાનગી કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ દાયકાની મહેનતમાં તૈયાર કરવામાં આવી છે.

અરિહંત સબમરીને જે ક્ષમતા હાંસલ કરી છે એ દુનિયામાં માત્ર અમેરિકા અને રશિયા પાસે જ છે. ચીન અને ભારતની ક્ષમતા લગભગ સમાન છે.

ભારત પાસે હાલ રશિયન બનાવટની અણુસબમરીન આઈએનએસ ચક્ર છે, જે તેણે રશિયા પાસેથી 2012માં 10 વર્ષ માટે લીઝ પર લીધી છે.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વીટ કરીને ભારતીય નૌકાદળને અભિનંદન આપ્યા છે.