હવે ગ્લેશિયર્સ કેવી રીતે બને છે અને પીગળે છે એ જાણી શકાશે…

ભારતીય વૈજ્ઞાનિકો ઉત્તર ધ્રુવ (આર્કટિક)થી સંશોધન માટે લઈ આવ્યાં છે બાષ્પ (બાફ, વરાળ)!

દેશમાં પહેલીવાર વરાળના આ સંશોધન થકી ગ્લેશિયર્સ કેવી રીતે બને છે અને કયા કારણથી ઓગળે છે, તે વિશે જાણકારી મળશે. તેમજ દેશમાં ભારે વરસાદને કારણે આવતાં પૂર તથા વાદળ ફાટવાનું કારણ પણ જાણી શકાશે.

તાજેતરમાં દેશની પાંચ વૈજ્ઞાનિક સંસ્થાઓમાંથી વૈજ્ઞાનિકોના સમૂહના 9 દળોને સંશોધન માટે ઉત્તર ધ્રુવ (આર્કટિક) મોકલવામાં આવ્યા હતા. જેમાં ભારતની જેએનયુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. શ્યામ રંજન તેમજ તેમના સહાયક વૈજ્ઞાનિકે ઉત્તર ધ્રુવની બાષ્પને શીશીમાં ભરી લીધી અને તેને ભારતમાં સંશોધન માટે લઈ આવ્યાં છે.

 

આવું પહેલીવાર થયું છે. કે, ઉત્તર ધ્રુવ પરની વરાળ દેશમાં લાવીને એના ઉપર સંશોધન થશે. એનાં પરથી ગ્લેશિયર્સ વિશે મહત્વની જાણકારી મેળવાશે કે કઈ રીતે ગ્લેશિયર્સ બને છે અને કયા કારણોથી ઓગળે છે. વાદળ ફાટવાથી માંડીને દેશમાં પૂર આવવાનું કારણ પણ જાણી શકાશે. પૂરને લીધે તેમજ વાદળ ફાટવાને કારણે અસંખ્ય લોકો જીવ ગુમાવે છે. એટલે બાષ્પને જાણવાનો પ્રયોગ એક બહુ મોટી આશા જગાડે છે. આ શોધ નવેમ્બરમાં શરૂ થઈ જશે અને આંતર્રાષ્ટ્રીય પ્રકાશન માટે પણ જલ્દી મોકલવામાં આવશે.

એક મુલાકાત દરમ્યાન જેએનયુના વૈજ્ઞાનિક ડૉ. શ્યામ રંજન તેમજ તેમના સહાયક શોધકર્તા વૈજ્ઞાનિક નવીન કુમારે જણાવ્યું કે, ‘વૈજ્ઞાનિકોના સમૂહે 33 દિવસ ઉત્તર ધ્રુવના વેસ્ત્રેબ્રોગેન અને ફેર્રિબગ્રીન  ગ્લેશિયર્સ ઉપર વિતાવ્યાં. આ જગ્યાએથી અમારી ટીમે વરાળ મેળવી. અમને આશા છે કે આ સંશોધનથી અમને ગ્લેશિયર્સ વિશે બહુ મહત્વની જાણકારી મળશે.’

ઉત્તર ધ્રુવ પર પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી રહે છે, આ બિંદુ આર્કટિક મહાસાગરમાં પડે છે જે  બરફની જાડી ચાદરથી ઢંકાયેલો રહે છે. અહીં સૂર્યનો પ્રકાશ છ મહિના સુધી પહોંચતો નથી. એટલે, ધ્રુવની આસપાસનો મહાસાગર બહુ ઠંડો રહે છે.

મહાસાગર તેમજ પૃથ્વીની બરફાચ્છાદિત જમીન ઉપરના રિપોર્ટ વિશે ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી)એ જણાવ્યું છે. કે, 2015 તેમજ એના આગલા એક દશકામાં ગ્રીન લેન્ડ તેમજ એન્ટાર્ટિકામાં બરફની ચાદર દર વર્ષે 400 અબજ ટન ઓછી થઈ ગઈ છે. જેના કારણે સમુદ્રની સપાટી દર વર્ષે 1.2 મિલીમિટર વધે છે. પહાડોના ગ્લેશિયર દર વર્ષે 280 અબજ ટન પીગળે છે, એટલે, સમુદ્રની સપાટી 0.77 મિલીમિટર વધે છે. પ્રાચીન સમયથી પૃથ્વી ઉપર લગભગ 2,00,000 જેટલાં ગ્લેશિયર્સ રહ્યાં છે, જેને કારણે પૃથ્વી ઉપર બરફનો એક વિશાળ ભંડાર ઉપસ્થિત રહ્યો છે.

1990થી World Ocean Circulation Experiment (WOCE) જે પૃથ્વી પર સમુદ્રને લગતાં સંશોધન કરે છે. એમના સંશોધન થકી તેઓ સમુદ્રને ઉંડાણથી સમજી શક્યાં છે. સમુદ્રના વધતાં જળસ્તર એ આપણને પહેલી નજરે સામાન્ય ઘટના લાગે. પરંતુ, (WOCE) જણાવે છે, જેમ માનવ શરીરમાં રુધિરાભિસરણ તંત્ર જેમ કાર્ય કરે છે. તેવું જ પૃથ્વીના જીવનચક્રને ચલાવવા માટે સમુદ્ર એ રુધિરાભિસરણનું કાર્ય કરે છે.

આમ, દરેક વૈજ્ઞાનિકનું સંશોધન દુનિયાને મહત્વની જાણકારી આપે છે. ત્યારે વૈજ્ઞાનિકોનાં ઉત્તર ધ્રુવની વરાળનું સંશોધન પણ મોટી આશા જગાડે છે.