રેલવેનાં ‘અચ્છે દિન’ આવશે; ટ્રેનભાડાં 15-20 ટકા વધવાની શક્યતા છે

નવી દિલ્હી – ભારતીય રેલવે ટૂંક સમયમાં જ પ્રવાસી ભાડાં અને નૂરનાં દરોને વ્યવહારુ બનાવવાની છે. આ જાણકારી રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે આપી છે. શું પ્રવાસી ભાડાં વધારવામાં આવશે? એવા સીધા સવાલનો જવાબ આપવાનું યાદવે ટાળ્યું હતું.

જોકે અફવા એવી છે કે પ્રવાસી ભાડામાં 15 થી 20 ટકા જેટલો વધારો કરવામાં આવનાર છે.

પત્રકારો સાથેની વાતચીતમાં, યાદવે કહ્યું કે સતત ઘટી રહેલી આવકની સમસ્યાનો સામનો કરવા માટે ભારતીય રેલવેએ તાજેતરના ભૂતકાળમાં અનેક પગલાં લીધા હતા અને એ જ દિશામાં તે એક વધુ પગલું લઈને પ્રવાસી ભાડાં અને નૂરનાં દરોને વ્યવહારૂ બનાવશે.

પ્લાન અનુસાર, પ્રવાસી ભાડાં વધારવામાં આવશે જ્યારે માલની હેરફેર માટેના નૂરનાં દરોમાં સહેજ ઘટાડો કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથેની હરીફાઈને કારણે રેલવે તંત્ર નૂરનાં દર સહેજ ઘટાડવા માગે છે.

યાદવે કહ્યું કે ટ્રે્ન ભાડાં વધારવા એ સંવેદનશીલ મુદ્દે છે અને એ વિશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

નૂરનાં દરો અત્યારે જ ઘણા ઊંચા છે. રોડ પરથી ટ્રાફિક રેલવે તરફ વધે એવો અમારો ટાર્ગેટ છે. જ્યારે પ્રવાસી ભાડાંનો મુદ્દો સંવેદનશીલ છે એટલે એ વિશે હું તમને વધારે કંઈ કહી શકું એમ નથી, એમ રેલવે બોર્ડ ચેરમેન યાદવે કહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]