રેલવે લાવશે પોતાનું ડેબિટ કાર્ડ, સસ્તી ટિકિટ સહિત મળશે અન્ય લાભ

નવી દિલ્હી- ભારતીય રેલવે કેશલેસ ટ્રાન્ઝેક્શનને સતત પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહી છે. ભીમ અને UPI એપ્લીકેશનથી બુકીંગ કરાવનારાઓને ઈનામ આપવાની શરુઆત કર્યા બાદ હવે રેલવે વિભાગ પોતાનું ડેબિટ કાર્ડ લાવવાની તૈયારી કરી રહી છે. આ ડેબિટ કાર્ડથી આપ રેલવે ટિકિટ બુક કરવાની સાથે તમારા બેન્ક ડેબિટ કાર્ડની જેમ ખરીદી પણ કરી શકશો.

આપને જણાવી દઈએ કે, ભારતીય રેલવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ICICI બેન્કના સહયોગથી જલદી પોતાનું ડેબિટ કાર્ડ લાવશે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ કાર્ડથી ઓનલાઈન બુકિંગ કરાવવું ગ્રાહકોમાટે ફાયદાકારક રહેશે. આ કાર્ડથી બુકિંગ કરાવવાથી કોઈ જ ચાર્જ નહીં લાગે. સાથે જ અન્ય લોયલ્ટી પ્રોગ્રામ પણ લૉન્ચ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ ગ્રાહકોને ભારતીય રેલવેના ડેબિટ કાર્ડથી ટિકિટ બુક કરાવવી સસ્તી પણ રહેશે. રેલવે દ્વારા ચલાવવામાં આવનારા લોયલ્ટી પ્રોગ્રામ અંતર્ગત દર મહિને 10 લોકોને 100 ટકા સુધી કેશબેક આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા UPI અને ભીમ એપ્લીકેશન જેવી પેમેન્ટ યોજનાની શરુઆત કરી ચુકી છે. જે અંતર્ગત દર મહિને 5 પ્રવાસીઓને રેલવે 100 ટકા સુધી ભાડું રિફંડ કરે છે.