જમ્મુ-કશ્મીર એન્કાઉન્ટર: આતંકી મસૂદ અઝહરનો ભત્રીજો ઠાર

શ્રીનગર– કશ્મીરના પુલવામા સેક્ટરમાં સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. જેમાં તલ્હા રાશિદ કે જે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો હતો તેને પણ સેનાના જવાનોએ ઠાર માર્યો છે. આતંકી સંગઠન જૈશના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે.

ભારતીય સેનાએ ઠાર મારેલા અન્ય બે આતંકીઓની ઓળખ મોહમ્મદ અને વસીમ તરીકે કરવામાં આવી છે.  આતંકી મોહમ્મદ જૈશનો ડિવીઝનલ કમાન્ડર હતો, જે કશ્મીરનો રહેવાસી હતા. જ્યારે વસીમ પુલવામાનો હતો. હજી પણ આ વિસ્તારમાં ત્રણ આતંકી છુપાયા હોવાની આશંકા છે.

ભારતીય સેનાને માહિતી મળી હતી કે, પુલવામાના અગલર ફાંડી વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા છે અને તેઓ કોઈ મોટા હુમલાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારબાદ સુરક્ષાદળના જવાનોએ ઓપરેશન શરુ કર્યું હતું. જેમાં ત્રણ આતંકીઓ ઠાર મારવામાં સેનાને સફળતા મળી હતી.

સેનાના અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરુ કર્યું હતું. ત્યારબાદ બંને પક્ષો તરફથી ગોળીબારી થઈ હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ આતંકીઓના માર્યા ગયા બાદ ફાયરિંગ બંધ થઈ હતી. આ ફાયરિંગમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે.