પાકિસ્તાનમાં યોજાયેલી બહુદેશીય બેઠકનો ભારતે કર્યો બહિષ્કાર

નવી દિલ્હી- ભારત સરકારે ઈસ્લામાબાદમાં યોજાયેલી બહુદેશીય એશિયાઈ કોસ્ટગાર્ડ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જે સ્પષ્ટ સંકેત છે કે, વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન સાથે કોઈપણ વાતચીત માટે તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ સપ્તાહમાં અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ગની અને અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસનની મહેમાનગતી કરી હતી. આ બન્ને નેતાઓ સાથેની ચર્ચા દરમિયાન ભારત સરકારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના મુદ્દાને પ્રાથમિકતા આપી હતી.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ જે ભારતની સમુદ્રી સુરક્ષાની જવાબદારી સંભાળે છે અને દરિયાઈ કાયદાને લાગુ કરવા માટે જવાબદાર છે તેને પણ 24 અને 25 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં શામેલ થવાનું હતું. પરંતુ તેણે ઈસ્લામાબાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. આપને જણાવી દઈએ કે, ઈસ્લામાબાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 13 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

જોકે આ બેઠક યોજાઈ તે પહેલા કેન્દ્ર સરકાર તરફથી સંકેત મળ્યા હતા કે, ભારત સરકાર આ બેઠકમાં હાજરી આપી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈન્ડિયન કોસ્ટગાર્ડના ડી.જી. સહિત અનેક ઉચ્ચ અધિકારીઓના પાકિસ્તાન જવાના વિઝા પણ મેળવી લીધા હતા. પરંતુ અંતિમ સમયમાં ભારતીય રક્ષામંત્રાલયે નિર્ણય કર્યો કે, પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની ઉચ્ચસ્તરીય ચર્ચા માટે આ સમય યોગ્ય નથી.

ઘટના અંગે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના પ્રવક્તા આર. કે. સિંહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે સમયની માગને જોતા ભારતીય કોસ્ટ ગાર્ડે ઈસ્લામાબાદમાં યોજાયેલી બેઠકનો બહિષ્કાર કર્યો છે. એનાથી વધુ હું કંઈજ કહી શકું નહીં.

સત્તાવાર સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ભારત પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવા હાલમાં તૈયાર નથી. જોકે માનવીય મુલ્યોને રાજકીય ચર્ચાઓથી બાકાત રાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવેમ્બર મહિનામાં ભારત માનવતાના ધોરણે પાકિસ્તાનના એ કેદીઓને જેલમુક્ત કરશે જેણે પોતાની સજા પુરી કરી લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]