ભારત-પાક. સરહદે સતલજ નદીનું જળસ્તર ઘટતાં દાણચોરીનું જોખમ વધ્યું

નવી દિલ્હી- ભારત-પાકિસ્તાનની ફિરોઝપુર આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સતલજ નદીનો પ્રવાહ સુકાઈ ગયો છે. જેથી અહીં આગામી દિવસોમાં દાણચોરી અને ઘુસણખોરીનું પ્રમાણ વધે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નદીનું પાણી સુકાઈ જવાને કારણે પાકિસ્તાન તરફથી કોઈ પણ ઘુસણખોર સરળતાથી ભારતમાં પ્રવેશી શકે છે. ઉપરાંત જંગલી જાનવરોને પણ ઈરાદાપૂર્વક ભારતની સરહદમાં ઘુસાડવામાં આવે છે. જે સરહદી વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ઉગેલા પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે. પાણીનો પ્રવાહ સુકાઈ જવાને કારણે માછલીઓ મરી રહી છે, જેથી અહીં બિમારીનું જોખમ પણ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સતલજ નદીનો પ્રવાહ પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસણખોરી અટકાવવા મદદરુપ થતો રહ્યો છે. કારણકે, સતલજનું પાણી ઘણું ઉંડુ હોવાથી તેના પ્રવાહને સરળતાથી પસાર કરવો અશક્ય હતો. જેથી તેને પસાર કરીને ભારતમાં પ્રવેશ કરવો આસાન નહતું. જોકે હવે પાણી સુકાઈ જવાને કારણે પોલીસ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે.

ફિરોઝપુર પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ સરહદની સુરક્ષા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ તો (BSF) તહેનાત છે જ, ઉપરાંત પંજાબ પોલીસ પણ પુરી રીતે સતર્ક છે.