જસ્ટિસ કુરિયને લખ્યો CJIને પત્ર, કહ્યું ઈતિહાસ માફ નહીં કરે

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટના જજો વચ્ચે ચાલી રહેલો ગતિરોધ પુરો થવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલામેશ્વરે પ્રશ્નો ઉઠાવ્યા બાદ હવે જસ્ટિસ કુરિયન જોસેફે પણ ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં જસ્ટિસ કુરિયન જોસેફે કોલેજિયમની ભલામણને લઈને કેન્દ્રના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.પત્રમાં જસ્ટિસ કુરિયન જોસેફે લખ્યું છે કે, મહિનાઓ પહેલા કરવામાં આવેલી કોલેજિયમની ભલામણો ઉપર સરકાર કાર્યવાહી કરવાને બદલે ફાઈલ દબાવીને બેઠી છે. હવે સમય આવી ગયો છે કે, આ બાબતે સુપ્રીમ કોર્ટ સરકારને સવાલ પુછે. કારણકે સુપ્રીમ કોર્ટની શાખ પણ દાવ પર લાગી છે.

વધુમાં જસ્ટિસ કુરિયને લખ્યું કે, જસ્ટિસ કર્ણનના મામલાની જેમ તરતજ સાત જજોની પેનલ બનાવી સરકારને આદેશ આપવાની જરુર છે. હજી પણ જો આપણે એટલેકે કોર્ટ આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરે તો, ઈતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.

જસ્ટિસ જોસેફે જસ્ટિસ એમ. જોસેફ અને ઈન્દુ મલ્હોત્રાને સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત કરવાની સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ગત ફેબ્રુઆરીમાં મોકલવામાં આવેલી ભલામણો પર સરકાર દ્વારા નિષ્ક્રિયતા અને કોઈ કાર્યવાહી નહીં કરવા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. અને આ ઘટનાને ન્યાયાલયના અધિકારક્ષેત્ર અને ન્યાયાલયની શક્તિને આપવામાં આવતો પડકાર ગણાવ્યો છે.