‘અગ્નિ-3’ મિસાઈલનું રાતનું પરીક્ષણ પણ સફળ રહ્યું

ભૂવનેશ્વર – ભારતે તેના અણુસક્ષમ અને લાંબી રેન્જવાળા બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-3’નું કરેલું પ્રથમ રાત્રી પરીક્ષણ સફળ રહ્યું છે. આ મિસાઈલનું શનિવારે રાતે ઓડિશાનાં દરિયાકાંઠા નજીકના અબ્દુલ કલામ ટાપુ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતીય લશ્કરના સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડે આ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલને સાંજે અંધારું થઈ ગયા બાદ 7.17 વાગ્યે ભાદ્રક જિલ્લામાં આવેલા ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેના લોન્ચ પેડ-4માંથી અવકાશમાં છોડવામાં આવ્યું હતું.

ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના જણાવ્યા મુજબ, ‘અગ્નિ-3’ ભારતના અણુ શસ્ત્રસરંજામમાં મુખ્ય છે.

આ મિસાઈલને 2011ના જૂનમાં સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવી હતી.

આ મિસાઈલની રેન્જ 3000 કિ.મી. લઈને 5,000 કિ.મી. સુધીના ટાર્ગેટ પર ત્રાટકવાની છે અને તે દોઢ ટન વજનનો પરંપરાગત દારૂગોળો અને અણુબોમ્બ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

આ મિસાઈલ બે-તબક્કાવાળા સોલિડ પ્રોપીલન્ટ એન્જિનથી સંચાલિત છે. આ મિસાઈલ લંબાઈમાં 17 મીટર, વ્યાસ બે મીટર અને વજનમાં 2,200 કિ.ગ્રાનું છે.

‘અગ્નિ-3’ મિસાઈલની ગુણવત્તાની ચકાસણી કરવા માટે એની અજમાયશો કરવામાં આવી રહી છે.

રાતના સમયમાં મિસાઈલનું પરીક્ષણ કરવાનો ભારતમાં આ પહેલો જ પ્રસંગ હતો.

આ મિસાઈલ અત્યંત લેટેસ્ટ ટેક્નોલોજીથી સંપન્ન છે.