નવી દિલ્હી- ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ભારતના રેન્કિંગ સુધારા પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રાજકારણ પર પીએમ મોદીએ UPA સરકાર પર પ્રહાર કર્યાં હતાં. જેમાં પીએમ મોદીએ નામ લીધા વગર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર પણ કટાક્ષ કર્યો હતો. મોદીએ કહ્યું કે, કંઈ જ કામ નહીં કરનારા લોકો હવે NDA સરકારના કામકાજ અને વર્લ્ડ બેંકના રેન્કિંગ ઉપર સવાલ કરી રહ્યાં છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, કેટલાંક લોકોને ભારતના રેન્કિંગમાં સુધારો ગળે નથી ઉતરી રહ્યો. તેમને કોઈ જ ફરક નથી પડતો કે ભારતનું વર્તમાન રેન્કિંગ સુધરીને 100 થઈ ગયું છે. આમાંથી કેટલાંક લોકો તો એવા છે, જે વર્લ્ડ બેંકમાં રહી ચૂકયાં છે. તેઓ પણ ભારતના રેન્કિંગ અંગે સવાલ કરી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે, આવા લોકોને હું કહીશ કે, જો તમે કામ કર્યું હોત અને કાયદામાં સુધારો કર્યો હોત તો આ પ્રગતિનો શ્રેય તમને મળ્યો હોત. ઉલટાં તમે તો દેશ માટે જે લોકો કામ કરી રહ્યાં છે તેના પર સવાલ ઉઠાવી રહ્યાં છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મજબૂત રાજકીય ઇચ્છાશક્તિના કારણે જ દેશમાં વેપારનું શ્રેષ્ઠ વાતાવરણ ઉભું કરવામાં સફળતા મળી છે. મોદીએ કહ્યું કે, અમે પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી બનાવવા ઝડપથી સુધારા કરી રહ્યાં છીએ. જેથી અમારી ટીકા કરનારાઓ અમારા દ્વારા કરવામાં આવતા આ ઝડપી સુધારાને પચાવી શકતાં નથી. અમે GSTની મુશ્કેલીઓને પણ લોકો પાસેથી માર્ગદર્શન મેળવીને દૂર કરી રહ્યાં છીએ. GSTના અમલથી ઈઝ ઓફ ડૂંઇંગ બિઝનેસની સ્થિતિ સુધરી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતને નોલેજ બેઝ ઈકોનોમી બનાવા માગીએ છીએ.