તો દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો માર્ગ રોકી શકે છે ‘કેરી’ અને ‘ચીકૂ’

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનને હકીકતમાં સાકાર કરવાની તૈયારી પહેલેથી જ કરી લેવામાં આવી છે. પરંતુ આ પ્રોજેક્ટ વાસ્તવિક રીતે સાર્થક થાય તે પહેલા જ તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હવે કેરી અને ચીકુ જેવા ફળો પણ બુલેટ ટ્રેનના માર્ગમાં અવરોધ રુપ બની રહ્યાં છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ શરુ થઈ ગયું છે. પરંતુ તેના માટે જમીન સંપાદનને લઈને સરકારને ઘણા અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. હવે તો સ્થાનિક રાજકારણીઓ પણ વિરોધને વધુ ભડકાવી રહ્યાં છે.

જમીન અધિગ્રહણને લઈને વિરોધ કરી રહેલા કેરી અને ચીકૂ જેવા બાગાયતી ખેડૂતોએ પણ વિરોધ ઉગ્ર કર્યો છે. તેઓ પોતાની જમીન ત્યાં સુધી આપવા રાજી નથી જ્યાં સુધી તેમને વૈકલ્પિક રોજગારની ગેરંટી આપવામાં ન આવે. ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધને કારણે 17 અબજ ડોલરની આ મહત્વાકાંક્ષી યોજનામાં જમીન સંપાદનને લઈને ઔપચારિકતા પુરી કરવામાં વધારે સમય લાગી શકે છે. તેની ડેડલાઈન ડિસેમ્બર-2018 સુધી વધારવામાં આવી શકે છે.

હાલના દિવસોમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે બની રહેલા કોરીડોરને લઈને જમીન સંપાદન વિરુદ્ધ દેખાવો કરનારાનો વ્યાપ વધીને 108 કિલોમીટર જેટલો થયો છે. સરકારે ખેડૂતો પાસેથી જમીન ખરીદવા માટે બજાર ભાવના આધારે 25 ટકા પ્રીમિયમ કિંમત ચૂકવવાની ઓફર કરી હતી. વધુમાં પુનર્વસન માટે 5 લાખ અથવા 50 ટકા જેટલી જમીનની કીમત બન્નેમાંથી જે વધુ હશે તે ચૂકવવાની ઓફર આપવામાં આવી હતી.

ભારતીય રેલવેના બે વરિષ્ઠ અધિકારીઓના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની વ્યવસ્થામાં થયેલા વિલંબને કારણે જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA) દ્વારા જારી કરવામાં આવનારી સોફ્ટ લોન્સના વિતરણમાં વિલંબ થઈ શકે છે. જાપાનની આ સરકારી એજન્સી આગામી મહિને આ મામલાની સમીક્ષા કરશે.