મોદી સરકારની બીજી ઈનિંગમાં બદલાઈ શકે છે અમિત શાહનો રોલ…

નવી દિલ્હીઃ ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે આવતા સપ્તાહમાં વડાપ્રધાન મોદી શપથ લેશે ત્યારબાદ પ્રધાન મંડળમાં કોનોકોનો સમાવેશ થશે. તેમાં સૌથી ચર્ચિત નામ છે ગાંધીનગરથી ભારે મતોથી જીતેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહનું. અમિત શાહને કોઈ મહત્વપૂર્ણ મંત્રાલય મળી શકે છે, તો ઘણાં અન્ય પ્રધાનોને તેમના કામનું ઈનામ આપતાં તેમની પ્રગતિ થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લોકસભામાં પહેલીવાર પહોંચનારા અમિત શાહ મોદી સરકારના બીજા કાર્યકાળમાં સુરક્ષા મામલાઓના પ્રધાન મંડળની સમિતિમાં શામિલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સીસીએસમાં વડાપ્રધાન સિવાય રક્ષા,ગૃહ, વિદેશ અને નાણાં વિભાગના ચાર શીર્ષ પ્રધાનો શામેલ થઈ શકે છે. એટલે કે શાહ આમાંથી કોઈ એક પ્રધાન બને તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન રહ્યાં તે દરમિયાન અમિત શાહ તેમની સરકારમાં ગૃહ પ્રધાન રહી ચૂક્યાં છે. એટલા માટે એવી પણ ચર્ચા છે કે શાહને સરકારમાં ગૃહપ્રધાન બનાવવામાં આવી શકે છે. પરંતુ નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં ગૃહપ્રધાન રહેલા રાજનાથ સિંહ આ વખતે લખનૌથી જીત્યાં છે અને પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકી એક છે.

ત્યારે એપણ લાગી રહ્યું છે કે રાફેલ પર ગોટાળાના આરોપો વચ્ચે સફળતાથી મંત્રાલય સંભાળનારા નિર્મલા સીતારમણને ફરીથી રક્ષા મંત્રાલય મળશે. બીજી બાજુ સરકાર માટે સંકટમોચકની ભૂમિકા નિભાવનારા રેલપ્રધાન પીયૂષ ગોયલને આ વર્ષે વધારે મહત્વપૂર્ણ મંત્રાલય મળી શકે છે.

બીજુ બાજુ નાણાં પ્રધાન અરુણ જેટલીની તબિયતને લઈને ચિંતા છે. તેમને ગુરુવારના રોજ દિલ્હીની એઈમ્સથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને તેઓ બીજેપીના મુખ્યાલય પર થનારા વિજય ઉત્સવમાં શામેલ ન થઈ શક્યાં. આવનારા સમયમાં આવનારા આર્થિક પડકારોને જોતાં પાર્ટીમાં એ ચિંતા છે કે શું તબિયતને જોતાં આવા સમયમાં જેટલી નાણાં મંત્રાલય સંભાળી શકશે ?

જેટલી આશરે ત્રણ સપ્તાહથી ઓફિસ નહોતા જઈ શક્યાં. તેઓ મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં વધારે સમય નાણાં પ્રધાન રહ્યાં છે. આ વર્ષે 22 જાન્યુઆરીના રોજ અમેરિકામાં મહત્વપૂર્ણ સર્જરી કરાવવાના કારણે તેઓ મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ ન કરી શક્યાં અને પીયૂષ ગોયલને આ જવાબદારી આપવામાં આવી હતી.

વિદેશ પ્રધાન રહેલાં સુષમા સ્વરાજે આ વખતે પણ લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો. સુષમા અત્યારે લોકસભા અને રાજ્યસભા કોઈપણ સદનના સદસ્ય નથી.

કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. તેમને આનું ઈનામ મળી શકે છે. આ સિવાય વી.કે સિંહને પણ પ્રમુખ મંત્રાલય આપવું મજબૂરી હશે કારણ કે તેઓ ગાઝીયાબાદથી બીજીવાર પણ ભારે મતોથી જીત્યાં છે.

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ પણ વર્ષો સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યાં બાદ પ્રથમવાર લોકસભા પહોંચી રહ્યાં છે. તેઓ પહેલાં પણ પ્રમુખ મંત્રાલય સંભાળી ચૂક્યાં છે અને આ વખતે તેમને કોઈ મહત્વપૂર્ણ મંત્રાલય મળી શકે છે.