કર્ણાટકમાં કોંગ્રેસનો ‘દલિત CM’નો દાવ, પરિણામ પહેલાં ‘જોડ-તોડ’નું રાજકારણ શરુ

બેંગલુરુ- કર્ણાટકમાં કોની સરકાર બનશે, તેનો નિર્ણય તો મંગળવારે થઈ જશે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેથી પરિણામ પહેલાં જ રાજ્યમાં ‘જોડ-તોડ’નું રાજકારણ શરુ થઈ ગયું છે.કર્ણાટકમાં કિંગમેકરની ભૂમિકામાં જણાઈ રહેલાં JDS ચીફ એચ.ડી. દેવગૌડાને મનાવવા કર્ણાટકના વર્તમાન CM સિદ્ધારમૈયાએ દલિત CMનો દાવ ખેલ્યો છે. અને કોંગ્રેસના નેતાઓ દેવગૌડાના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ રાજ્યમાં સરકાર બનાવવાને લઈને પોતાની શક્યતા તપાસવામાં લાગી છે.

આપને જણાવી દઈએ કે, ચૂંટણી બાદ જાહેર કરવામાં આવેલા લગભગ બધા જ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જોકે સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી પાર્ટી ગણાવાઈ છે. એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવ્યા બાદ, મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, જો હાઈકમાન કોઈ દલિત નેતાને મુખ્યપ્રધાન પદ માટે બેસાડવાની વાત કરે તો તેઓ મુખ્યપ્રધાનનું પદ છોડવા તૈયાર છે.

રાજકીય પંડિતો સિદ્ધારમૈયાની આ ઓફરને JDSને ટાર્ગેટ કરવાનું મુખ્ય હથિયાર ગણાવી રહ્યાં છે. જોકે JDS તરફથી સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે, પરિણામની રાહ જોવામાં આવશે. ત્યારબાદ જ કોઈ નિર્ણય કરવામાં આવશે. પાર્ટી ચીફ અને પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડાએ જણાવ્યું કે, પરિણામ સામે આવ્યા પહેલાં કંઈ પણ કહેવું ઉતાવળ ભર્યું ગણાશે.