જનગણના 2021 માટે પ્રક્રિયા શરુ, પ્રથમ વખત અલગથી લેવાશે OBC ડેટા

નવી દિલ્હી- ભારત સરકારે વર્ષ 2021માં યોજાનારી દેશની વસ્તી ગણતરી માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે જનગણના પ્રક્રિયા શરુ કરતા પહેલા સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં દેશની આગામી જનગણનાને લઈને વિવિધ પરિબળો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, પહેલાં દેશની જનગણના પ્રક્રિયા પુરી કરવામાં સાતથી આઠ વર્ષનો સમય લાગતો હતો. પરંતુ હવે ત્રણ વર્ષની અંદર વસ્તી ગણતરી પુરી કરી લેવામાં આવશે. વર્ષ 2021ની જનગણનામાં પ્રથમ વખત OBC ડેટા પણ અલગથી એકત્રિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દેશની જનગણના માટે પ્રથમ વખત સેટેલાઈટના માધ્યમથી ઘરોની માહિતી મેળવવાની યોજના અમલમાં મુકવા વિચાર કરી રહી છે. આ વખતની જનગણનામાં પ્રથમ વખત અલગથી OBC ડેટા ભેગો કરવામાં આવશે.

જનગણનાની સમગ્ર પ્રક્રિયા ત્રણ વર્ષમાં પુરી કરવામાં આવશે. એક અંદાજ મુજબ વસ્તી ગણતરીની પ્રક્રિયા ત્રણ વર્ષમાં પ્રક્રિયા પુરી કરવા માટે 25 લાખથી વધુ કર્મચારીઓની જરુર પડશે.