ભારતીય હવાઈ દળે સ્વદેશી મિસાઈલ ‘અસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી – ભારતીય હવાઈ દળે આકાશમાંથી જ આકાશમાં છોડી શકાય એવી સ્વદેશી બનાવટની મિસાઈલ ‘અસ્ત્ર’નું આજે પરીક્ષણ કર્યું છે અને તે સફળ રહ્યું છે.

આ મિસાઈલને બીયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ કહેવાય છે.

આ મિસાઈલને કલાઈકુન્દામાં આવેલા હવાઈ દળ મથકમાંથી સુખોઈ Su-30 વિમાનમાંથી છોડવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન દ્વારા આ પરીક્ષણને સમર્થન આપ્યું છે.

નિવેદનમાં જણાવાયું છે કે મિસાઈલે તેના ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું.

અસ્ત્ર મિસાઈલ ક્લાસ વેપન સિસ્ટમમાં સર્વોત્તમ ગણાય છે. અત્યાર સુધીમાં એની 20થી વધુ અજમાયશો કરવામાં આવી ચૂકી છે.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય હવાઈ દળના આ પ્રયાસ અને સફળતાની પ્રશંસા કરી છે. એમણે કહ્યું કે અદ્યતન શસ્ત્ર પદ્ધતિની સ્વદેશી ડિઝાઈન તથા વિકાસમાં ભારતે ઉચ્ચ સ્તરીય ક્ષમતા હાંસલ કરી લીધી છે.

આ મિસાઈલ હવામાં ફરી રહેલા લક્ષ્યને આંખના પલકારામાં તોડી પાડવાની અને દ્રષ્ટિ સીમાથી આગળ રહેલા ટાર્ગેટને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.