ભારતીય એરફોર્સમાં ઉમેરાયાં ચિનૂક-H47F, વધુ બળવાન બની વાયુ સેના

નવી દિલ્હી- ભારતીય એરફોર્સમાં આજે ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ થયો છે. ચિનૂક હેલિકોપ્ટરથી ભારતીય એરફોર્સની તાકાતમાં વધારો થશે. એમેરિકાએ ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારવામાં આ જ હેલિકોપ્ટરની મદદ લીધી હતી. ચંદીગઢ એરબેઝ પર એક સમારોહ દરમિયાન આ હેલિકોપ્ટરને વાયુ સેનાને સોંપવામાં આવ્યું હતું.

 

વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ કહ્યું કે, આ હેલિકોપ્ટર મિલિટ્રી ઓપરેશનમાં ભાગ લેવા સક્ષમ હોવની સાથે રાતે પણ ઓપરેશન કરવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટર દેશ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

અમેરિકન કંપની બોઈંગે ચિનૂક હેલિકોપ્ટરને બનાવ્યું છે. આ વિશ્વના અન્ય હેલિકોપ્ટરો કરતા ઘણું જૂદુ છે. ચિનૂક એડવાન્સ મોર્ડન ટેક્નોલોજીથી સજ્જ છે. ચિનૂકને હાલ વિશ્વના ઘણા બધા દેશો ઉપયોગમાં લે છે. ચિનૂક એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર હોવાની સાથે સાથે હેવી વેઈટ લિફટ માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે. જેની મદદથી વજનદાર સૈન્ય જરૂરી સાધન સામગ્રીને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.

2015માં સંરક્ષણ મંત્રાલયે, ભારતીય સેના માટે અમેરિકન કંપની બોઈંગ પાસેથી અપાચે લડાકૂ હેલિકોપ્ટર અને 15 ચિનૂક-H47F હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર કર્યાં હતાં.

ચિનૂક મલ્ટીરોલ વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ જવાનો, હથિયારો, ઉપકરણોના સ્થળાંતર માટે કરી શકાય છે. આ ઉપરાંત રેસ્ક્યૂ ઓપરેશન સહિત રાહત બચાવ કામગીરીમાં પણ મદદરૂપ સાબિત થશે.

આ હેલિકોપ્ટરને રડારની મદદથી પકડવું મુશ્કેલ છે, બે પાયલોટ આ હેલિકોપ્ટરને ઉડાવી શકે છે. ચિનૂક 10 ટન સુધીનો વજન 20 હજાર ફૂટની ઉંચાઈ સુધી લઈને ઉડવા સક્ષમ છે. ભારે વજન છતાં 280 કિમી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેમજ આ હેલિકોપ્ટર નાનામાં નાના હેલિપેડ અને ઘાટીમાં સરળતાથી લેન્ડ કરી શકાય છે.

વર્ષ 1962માં ચિનૂક પ્રથમ વખત અમેરિકન સેનાનો ભાગ બન્યું હતું. ત્યાર બાદ ચિનૂકમાં કોકપિટથી લઈને રોટર બ્લેડ, એડવાન્સ ફ્લાઈટ કંન્ટ્રોલ સિસ્ટમ સહિત ઘણા ફેરફાર કરવામાં આવ્યાં. અમેરિકન સેના લાંબા વખતથી ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યું છે. વિયતનામ યુદ્ધ, લિબિયા,ઈરાન, અફઘાનિસ્તાન સહિત ઈરાકમાં પણ આ હેલિકોપ્ટર નિર્ણાયત ભૂમિકા ભજવી ચૂક્યું છે.