હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરઃ 4 લોકોની ધરપકડ, થયો મહત્વનો ખુલાસો

હેદરાબાદઃ શહેરમાં ચાર લોકો દ્વારા એક મહિલા એનિમલ ડોક્ટર પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેને આગ લગાવી દેવાની ઘટના ઘટ્યાને હજી માંડ બે દિવસ થયા છે ત્યાં જ અન્ય એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી છે. મહિલાની ઓળખ હજી થઈ શકી નથી. અજ્ઞાત મહિલાની હત્યા તેના જ વિસ્તારમાં થઈ કે જ્યાંથી એનિમલ ડોક્ટર પર ચાર લોકોએ બળાત્કાર કર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાસેથી પસાર થઈ રહેલા લોકોએ સળગેલી હાલતમાં લાશ જોઈ અને આ મામલે જાણકારી આપી.

ત્યારબાદ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને લાશને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી. તેમણે કહ્યું કે હજી એવાત સ્પષ્ટ નથી કે શું મહિલાએ પોતાને આગ લગાવીને આત્મ હત્યા કરી પછી તેની હત્યા કરવામાં આવી છે.

હૈદરાબાદ પાસે બુધવારના રોજ રાત્રે ગુમ થયેલી એક 26 વર્ષીય મહિલા એનિમલ ડોક્ટરનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. તેલંગાણાના શાદનગર સ્થિત પોતાના ઘરેથી હોસ્પિટલ જઈ રહેલી મહિલા એનિમલ ડોક્ટરનું વ્હિકલ શમશાબાદમાં પંચર થયું હતું અને ત્યાંથી તે ગુમ થઈ હતી. મહિલાએ પોતાની બહેન સાથે રાત્રે 9:15 વાગ્યે વાત કરી હતી અને જણાવ્યું હતું કે મારી સ્કુટીમાં પંચર પડ્યું છે.

ત્યારે મળી રહેલા અપડેટ્સ પ્રમાણે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાને અંજામ આપનારા મોહમ્મદ આરિફે પીડિતાનું મોઢુ દબાવી રાખ્યું હતું જેથી તેની બુમો કોઈ સાંભળી ન શકે. તે તડપતી રહી અને હવસખોરો તેની સાથે જઘન્ય કૃત્ય કરતા રહ્યા. માનવામાં આવી રહ્યું છે કે શ્વાસ ન લઈ શકવાના કારણે હૈદરાબાદની આ દિકરીનું મૃત્યું થયું છે. પોલીસે આ મામલે કહ્યું છે કે આરોપીઓએ જ ષડયંત્ર અંતર્ગત તેની સ્કૂટીમાંથી હવા કાઢી નાંખી હતી કે જેથી મહિલા ડોક્ટરને પોતાની જાળમાં ફસાવીને પોતાના કાળા કૃત્યને અંજામ આપી શકાય.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગરેપ દરમિયાન મહિલા ડોક્ટરે મદદ માટે બુમો પાડવાનું શરુ કરી દીધું હતું. આરોપીઓને લાગ્યું કે તેઓ પકડાઈ જશે. ત્યારે મહોમ્મદ આરિફ નામના એક વ્યક્તિએ મહિલાનું મોઢુ બંધ કરી દીધું કે જેની તેનો અવાજ કોઈ સાંભળી ન શકે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન શ્વાસ ન લઈ શકવાના કારણે મહિલાનું મોત થયું.

તેલંગાણા પોલીસે મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ, હત્યા અને મહિલાને સળગાવી દેવાના મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પકડવામાં આવેલા ચાર લોકોની ઓળખ મહોમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાના રુપમાં થઈ છે. પોલીસે જણાવ્યું કે હેવાનિયતની ઘટના બુધવારના રોજ રાત્રે 9:35 થી 10 વાગ્યા વચ્ચે ઘટી હતી. પોલીસે જણાવ્યું કે ગેંગરેપ બાદ આરોપી ડોક્ટરની લાશને એક ટ્રકમાં મૂકીને હાઈવે પર તેઓ આગળ વધ્યા અને પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ અને ડિઝલ ખરીદ્યું.

પોલીસે જણાવ્યું કે સુમસાન જગ્યા જોઈને આરોપીઓએ ડોક્ટરના મૃતદેહને ફેંકી દીધો અને પેટ્રોલ છાંટીને તેમા આગ લગાવી દીધી. હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે લોકો સાથે પૂછપરછ અને સીસીટીવીની મદદથી આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. સાઈબરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનરે જણાવ્યું કે આખા ષડયંત્ર અંતર્ગત આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેમાં ચારેય લોકો શામિલ હતા. સજ્જનરે જણાવ્યું કે બુધવારની સાંજે ચારેય આરોપીઓએ જોયું કે એક મહિલા ટોલ પ્લાઝા પાસે સ્કૂટી લઈને ઉભી છે.

ત્યારબાદ તમામ આરોપીઓએ ષડયંત્ર રચ્યું. મહિલા ડોક્ટર બેક લઈને ગચિબોવલી ગઈ અને રાત્રે આશરે 9 વાગ્યે પોતાનું સ્કૂટી લેવા માટે પાછી આવી. તેણે જોયું કે સ્કૂટીના ટાયરમાં હવા જ નથી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ષડયંત્ર રચીને સ્કૂટીમાંથી હવા કાઢી નાંખી હતી. મહિલા ડોક્ટર સ્કૂટીથી હવા નિકળવાને લઈને પરેશાન હતી. આ દરમિયાન મોહમ્મદ આરિફ તેમની પાસે તેની મદદ કરવાના બહાને આવ્યો. તેનો એક હેલ્પર શિવા સ્કૂટી રિપેર કરાવવાના બહાને દૂર લઈ ગયો.

ત્યારબાદ ત્રણેય લોકો જબરદસ્તી મહિલા ડોક્ટરને પાસેના એક ખાલી પ્લોટમાં લઈ ગયા અને તેની સાથે ગેંગરેપ કર્યો. સ્કૂટી દૂર કર્યા બાદ શિવા આવ્યો અને તેણે પણ મહિલા ડોક્ટર સાથે રેપ કર્યો. હૈદરાબાદના આ નિર્ભયા કાંડે આખા દેશને હચમચાવી નાંખ્યો છે. રોડથી લઈને સોશિયલ મીડિયા સુધી પીડિતા ડોક્ટરના હત્યારાઓને કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠી છે. ત્યારે પીડિતાની માતાએ પણ તમામ દોષિતોને બધાની સામે જીવતા સળગાવવાની માંગ કરી છે. પરિવારના લોકોએ એપણ કહ્યું છે કે સાઈબરાબાદ પોલીસે અમને ખૂબ દોડાવ્યા પરંતુ જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો પીડિતાને જીવતી પણ બચાવી શકાત.