ઓછું સંખ્યાબળ છતાં કઇ રણનીતિથી ભાજપે રાજ્યસભામાં બાજી મારી?

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ છ મહિનામાં જ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા ત્રણ મોટા બિલને રાજ્યસભામાંથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. સરકારના રણનીતિકારોએ અભેદ્ય માનવામાં આવતા  રાજ્યસભાના કિલ્લાને પણ ભેદી નાખ્યો. ભાજપના પોતાના માત્ર 83 જ સભ્યો હોવા છતાં નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં સરકારને 125 મતો મળ્યો. આટલી મોટી સંખ્યામાં સમર્થન મેળવીને બીજેપીએ વિપક્ષી દળ કોંગ્રેસ પર એક મનોવૈજ્ઞાનિક જીત મેળવી છે. જોકે, રણનીતિકાર ખુલાસો કરવા તૈયાર નથી, પણ ઈશારો મળી રહ્યો છે કે, કોંગ્રેસની અંદર બધુ સામાન્ય નથી અને ભાજપ ફરી એક વખત કોંગ્રેસનો  છેદ ઉડાડવામાં સફળ રહી. કોંગ્રેસના ચાર સાંસદોના વોટને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે.

શિવસેનાને મળીને વિપક્ષનો આંકડો 112 થાય છે.  શિવસેનાના વોક આઉટ પછી વિપક્ષને 109 મતો મળવા જોઈતા હતા, પણ મળ્યા માત્ર 99 મતો. પક્ષ-વિપક્ષ મળીને 16 સભ્યો ગેરહાજર રહ્યા જેમાં ભાજપા સાંસદ અનિલ બલૂની અને ભાજપને સમર્થન આપી રહેલા અમર સિંહ સ્વાસ્થ્યના કારણોસર પહેલાથી ગેરહાજર રહેવાનું નક્કી હતુ. તો બીજી તરફ એનસીપીના માજિદ મેમન અને વંદના કુમારીની ગેરહાજરીની સૂચના અગાઉથી મળી ગઈ હતી. એટલે કે 12 અન્ય સભ્યો ગેરહાજર રહ્યા. હવે સવાલ એ છે કે, બાકીના 10 સભ્યો કોણ છે જેણે ગેરહાજર રહીને એક તરફ સરકારની મદદ કરી. આમા ત્રણ સભ્યો શિવસેનાના પણ સામેલ છે, જેમણે કોંગ્રેસના દબાણ પછી યૂ ટર્ન લીધો અને મતદાનમાં ભાગ ન લીધો.

બાકી રહેલા 7 સભ્યો માટે કહેવાય છે કે, કોંગ્રેસના ચાર સભ્યો છે, જેના અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. આ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો છે. રાજ્યસભામાં ચીફ વ્હિપ રહેલા ભુવનેશ્વર કલીતા ગયા સત્રમાં રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે કર્ણાટક ફોર્મૂલા લાગૂ કરતા રાજ્યસભામાં પોતાની તાકત વધારી છે. આ ફોર્મૂલામાં વિપક્ષી પાર્ટીઓના સાંસદો પાસેથી રાજીનામા લેવડાવવામાં આવે છે.

આવું કરીને કોંગ્રેસ, સપા જેવી અનેક પાર્ટીઓના સાંસદો ભાજપમાં જોડાઈ ગયા છે, જેને ભાજપે હવે પોતાના ક્વોટામાંથી રાજ્યસભામાં મોકલ્યા છે.

રાજ્યસભામાં ભાજપની હવે 83 સીટો થઈ ગઈ છે, જે ઈતિહાસમાં સૌથી વધુ છે. ભાજપના રણનીતિકાર યાદ અપાવે છે કે, મોદીના પ્રથમ કાર્યકાળમાં રાજ્યસભામાં વિપક્ષ એટલી હદે હાવી હતુ કે, લોકસભામાં ભારે બહુમત છતા મોદી સરકારના બિલ રાજ્યસભામાં અટકી જતા હતા. આ કપરી સ્થિતિ એટલી હદે હતી કે, આધાર બિલને મની બિલના રૂપમાં રજૂ કરીને પાસ કરાવવું પડયું હતુ, કારણે કે કોંગ્રેસ આના સખત વિરોધમાં હતી.

મોદી-2.0માં સ્થિતિ એવી રીતે બદલાઈ ગઈ કે, ટ્રીપલ તલાક, આર્ટિકલ 370 અને હવે નાગરિકતા સંશોધન બિલ જેવા વિવાદાસ્પદ બિલોને પણ રાજ્યસભામાં સરળતાથી મંજૂરી મળી ગઈ. ભાજપને જેડીયુ, એઆઈએડીએમકે, બીજેડી, વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપીનો પણ સાથ મળ્યો જે લોકસભા ચૂંટણી પહેલા તીખા અંદાજમાં એનડીએથી અલગ થઈ હતી. આ પાર્ટીઓના સમર્થનથી ભાજપ એ રાજ્યસભામાં મેજીક કર્યુ.

અટલ બિહારી વાજપેયીની સરકાર પણ રાજ્યસભામાં બહુમત ન હોવાને કારણે અનેક મહત્વના બિલો પસાર નહોતી કરાવી શકી. વાજપેયી સરકારે આતંકવાદ વિરોધી કાયદો પોટાને સંસદનું સંયુક્ત સત્ર બોલાવીને પારિત કરાવવો પડયો હતો. મોદી સરકારમાં અત્યાર સુધી કોઈપણ બિલને પાસ કરાવવા માટે સંયુક્ત સત્ર બોલાવવાની ફરજ નથી પડી. સરકારના રણનીતિકાર કહે છે કે, રાજ્યસભામાં હવે જે રીતે કોંગ્રેસને ઝટકો લાગી રહ્યો છે જે બાદ એનડીએનો બહુમત ન હોવા છતાં અહીંથી કોઈપણ બિલને પાસ કરાવવામાં હવે કોઈ મુશ્કેલી નહીં આવે.