NRCમાં ભેદભાવનો આરોપ ખોટો, નાગરિકોની માહિતી મેળવવી જરુરી: રાજનાથ

નવી દિલ્હી- આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો ફાઈનલ ડ્રાફ્ટ જારી કરાયા બાદ શરુ થયેલા રાજકીય ઘમાસાણ મુદ્દે કેન્દ્ર સરકારે વધુ એકવાર તેનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિરોધ પક્ષના ભેદભાવના આરોપને નકારતા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, આ ડ્રાફ્ટ આસામ સમજૂતી અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કોઈની પણ સાથે ભેદભાવનો કોઈ અવકાશ નથી.વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવેલા આ ડ્રાફ્ટમાં જે લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેમને દાવો કરવા માટે પૂરતી તક આપવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ મુદ્દે વિના કારણ માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે રાજ્યસભામાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘આ ફાઈનલ ડ્રાફ્ટ છે, ફાઈનલ NRC નથી. 24 માર્ચ, 1971ની પહેલાથી રાજ્યમાં રહેતા લોકોના નામનો ડ્રાફ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત જે લોકો પાસે જમીન નોંધણી રેકોર્ડ, પાસપોર્ટ અને વીમા પોલિસી હતી તેમના નામનો પણ NRCમાં સામાવેશ કરાવમાં આવ્યો છે. જે લોકો પાસે જરુરી દસ્તાવેજો છે તેમનું નામ NRCમાંથી બાકાત કરવામાં નહીં આવે.

વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોના નાગરિકો જે આસામમાં રહે છે, તેઓ પણ વર્ષ 1971ની પહેલાનું દેશમાં કોઈ પણ સ્થાનનું પ્રમાણપત્ર બતાવશે તો NRCમાં સામેલ કરવા પાત્ર ગણવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું કે, આ પ્રક્રિયાનો પ્રારંભ 1985માં કરવામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. ઉપરાંત વર્ષ 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન NRCને અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.