PM મોદીએ કાંગડામાં નહેરુને આ રીતે ‘યાદ’ કર્યાં…

કાંગડા- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કાંગડામાં જનસભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, 9 નવેમ્બરે વોટિંગ મશીનનું બટન દબાવીને કોંગ્રેસને જાકારો આપવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસે હિમાચલ પ્રદેશને લૂંટીને ખોખલો બનાવી દીધો છે.

પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર યાદ કરી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જવાહરલાલ નહેરુ જનસંઘને નાબૂદ કરવાની વાત કરતા હતા. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશમાં જવાહરલાલ નેહરુની સરકાર હતી, એ સમયે જનસંઘનો જન્મ થયો હતો.

પીએમ મોદીએ જવાહરલાલ નહેરુના શબ્દોની યાદ અપાવતાં કહ્યું કે, ‘પંડિત નહેરુ કહેતાં હતાં કે, અમે જનસંઘને જડમૂળથી ઉખાડીને ફેંકી દઈશું’. આજે અમે કોંગ્રેસમુક્ત ભારત બનાવવાનું કામ ઉઠાવ્યું છે. દેશને માનસિક ગુલામીમાંથી પણ મુક્ત કરવાનો છે. જેથી કોંગ્રેસમુક્ત ભારત એ જરુરી છે, અને આજના સમયની માગ છે.

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં ભ્રષ્ટાચાર સહન નહીં કરવાના દાવા ઉપર કટાક્ષ કરતાં વડાપ્રધાને કહ્યું કે, હિમાલચ પ્રદેશના મુખ્યપ્રધાન ખુદ ભ્રષ્ટાચાર મામલે જામીન પર મુક્ત થયાં છે. વધુમાં પીએમ મોદીએ કોંગ્રેસને ‘લાફિંગ ક્લબ’ ગણાવી અને હિમાચલ પ્રદેશનું શોષણ કરી રહેલા પાંચ રાક્ષસો ગણાવ્યાં હતાં.

જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજની કોંગ્રેસ એ મહાત્મા ગાંધીની વિચારધારા વાળી કોંગ્રેસ નથી રહી. આજની કોંગ્રેસ એ નિમ્ન વિચારધારા ધરાવતી પાર્ટી બની ગઈ છે. મોદીએ કહ્યું કે, આપણે આ નિમ્ન વિચારધારા અને ગુલામીની વિચારધારામાંથી દેશને બહાર લાવવાનો છે. અને એટલે જ અમે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરીએ છીએ.

પીએમ મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ડોકલામ વિવાદ સમયે રાહુલ ગાંધી ચીનના રાજદૂત સાથે મુલાકાત કરવા ગયા હતા. એ દર્શાવે છે કે, રાહુલ ગાંધીને દેશની સેનાના જવાનોની તાકાત પર વિશ્વાસ નથી. રાહુલ ગાંધીની ચીની રાજદૂત સાથેની મુલાકાત એ સેનાના જવાનોનું અપમાન છે. આવા લોકો ઉપર દેશ કેવી રીતે વિશ્વાસ કરી શકે?