હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઃ ૯ નવેંબરે મતદાન, ૧૮ ડિસેંબરે પરિણામ

નવી દિલ્હી – ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે હિમાચલ પ્રદેશમાં ૬૮-સભ્યોની નવી વિધાનસભા માટેની ચૂંટણી આવતા નવેંબરમાં યોજાશે. મતદાન ૯ નવેંબરે થશે અને મતગણતરી ૧૮ ડિસેંબરે કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

વડા ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિએ આજે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પહેલી જ વાર હિમાચલ પ્રદેશ રાજ્યમાં ૧૩૬ મતદાન બૂથ એવા રખાશે જ્યાંનું સંચાલન તમામ મહિલાઓ જ કરશે.

ચૂંટણીની તારીખની આજે જાહેરાત કરી દેવાતા હિમાચલ પ્રદેશમાં ચૂંટણી માટેની આચારસંહિતા આજથી અમલમાં આવી ગઈ છે.

હિમાચલ પ્રદેશની હાલની વિધાનસભાની મુદત ૨૦૧૮ની ૭ જાન્યુઆરીએ પૂરી થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદમાં કરાશે

ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ આજે જાહેર કરશે એવી ધારણા હતી, પણ આજે જાહેરાત કરવામાં આવી નથી.

વડા ચૂંટણી કમિશનર જોતિએ તેમ છતાં કહ્યું કે ગુજરાતની ચૂંટણી ૧૮ ડિસેંબર પહેલા યોજવામાં આવશે.

ગુજરાતની ચૂંટણી હિમાચલ પ્રદેશમાં મતદાન અને મતગણતરી વચ્ચે પાંચ-અઠવાડિયાના ગેપ દરમિયાન યોજવામાં આવે એવી ધારણા છે.

એ.કે. જોતિએ કહ્યું કે, હિમાચલ પ્રદેશનું ચૂંટણી સમયપત્રક ગુજરાતમાં ચૂંટણીના પરિણામ પર કોઈ અસર નહીં પાડે. બંને રાજ્યમાં મતગણતરી એક સાથે હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં ૧૮૨-સભ્યોની વિધાનસભાની મુદત ૨૦૧૮ની ૨૨ જાન્યુઆરીએ પૂરી થાય છે.

ગુજરાતમાં ૨૦૧૨ની સાલમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બે તબક્કામાં યોજવામાં આવ્યું હતું – ૧૩ અને ૧૭ ડિસેંબરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]