હરિદ્વારમાં ગંગાસ્નાન-આરતીમાં ઉમટી ભારે ભીડ

હરિદ્વારઃ ભારતીય હિન્દુઓ માટે અધિક માસના દાનપુણ્ય, સત્સંગ અને સ્નાનની પવિત્રતાનો અનેરો મહિમા છે. જેને લઇને દેશભરના તીર્થસ્થાનોમાં ભાવિકભક્તોની ભીડ ઊમટી પડી હતી. હરિદ્વાર જેવા ગંગાસ્નાન માટેના સૌથી પવિત્ર મનાતાં તીર્થસ્થાન પર અધિક માસની અમાસે લાખો ભક્તોની ભીડ ઊમટી પડી હતી.હરિદ્વારમાં સવાર અને સાંજે ગંગા નદીને હર કી પૌડી મંદિરે આતી અને દર્શનનો આગવો મહિમા છે ત્યારે અધિક માસની અંતિમ તિથિ અમાસે જ્યાં જુઓ ત્યાં મોટી સંખ્યામાં ગંગાસ્નાન કરતાં શ્રદ્ધાળુઓ નજરે ચડ્યાં હતાં. તો આરતીના સમયે પણ હૈયેહૈયું દળાય તેવી ભીડમાં પણ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક આતી અને દર્શનનો લહાવો લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કરી રહ્યાં હતાં. અમદાવાદથી હરિદ્વાર જતી ટ્રેન કદી ખાલી જતી નથી તેવામાં અધિકમાસને લઇને તો હરિદ્વાર ટ્રેનમાં બૂકિંગ ન મળવાને કારણે લાખે શ્રદ્ધાળુ હરિદ્વાર જઇ શક્યાં નથી. તેવામાં પોતાના વાહનો લઇને પણ મોટી સંખ્યામાં લોકો હરિદ્વાર પહોંચી ગયાં હતાં અને મલ માસની અંતિમ તિથિએ ગંગાસ્નાન, આરતી અને દર્શનનો અદકેરો લહાવો લીધો હતો.