પી. ચિદમ્બરના સમર્થનમાં આવ્યા પ્રિયંકા ગાંધી કહ્યું, પરિણામ ગમે તે આવે…

નવી દિલ્હી:INX મીડિયા કૌભાંડ કેસમાં ફસાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બર પર ઘરપકડની તલવાર લટકેલી છે. આ સ્થિતિમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પી. ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. પી ચિદમ્બરમ ધરપકડથી બચવા માટે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા મંગળવારે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. હવે ચિદમ્બરમ તેમની ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગત રાત્રીએ સીબીઆઇની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. ત્યારબાદ સીબીઆઇએ તેમના ઘર પર નોટિસ ચોંટાડી હતી.

પ્રિયંકા ગાંધીએ ચિદમ્બરને દેશના સેવક અને સમ્માનિક સાંસદ ગણાવતા વર્તમાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પાર્ટી દરેક ક્ષણે ચિદમ્બરમની સાથે છે અને પરિણામોની ચિંતા કર્યા વગર સત્યની સાથે ઉભી રહેશે. આ દરમિયાન કોંગ્રેસે તેમના વરિષ્ઠ નેતાઓની બેઠક પણ બોલાવી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, ‘અત્યંત યોગ્ય અને સમ્માનિત રાજ્યસભા સભ્ય પી. ચિદમ્બરમ જી એ દાયકા સુધી દેશની સેવા કરી જેમાં નાણાંપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે આપેલી તેમની સેવાનો પણ સમાવેશ થાય છે. તેઓ હંમેશા સત્તાની હક્કીકત જણાવતા રહ્યાં અને વર્તમાન સરકારની નિષ્ફળતાઓના ખુલાસા કરતા રહ્યાં. પરંતુ કાયર લોકો સત્યથી અસહજ થઈ જાય છે, એટલા માટે શરમજનક રીતે તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે. પરિણામ ગમે તે આવે, અમે તેમની સાથે ઉભા છીએ અને સત્ય માટે લડતા રહીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]