ગુસ્સો મારી પર ઉતારો, દેશની સંપત્તિ, ગરીબો પર નહીં’: પીએમ મોદી (CAAના વિરોધીઓને)

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના પ્રચારનો આજે ધમાકેદાર રીતે અહીં આરંભ કર્યો છે. એમણે રામલીલા મેદાન ખાતે એક મહા રેલીમાં સંબોધન કર્યું હતું અને સંસદે હાલમાં જ પાસ કરેલા નાગરિકત્વ સુધારા કાયદા (CAA)નો વિરોધ કરનાર વિરોધ પક્ષો તેમજ કાયદાના વિરોધમાં દેશમાં ઠેર ઠેર હિંસા કરનારાઓને આડે હાથ લીધા હતા.

વડા પ્રધાન મોદીએ  કહ્યું કે, CAA અંગે અનેક બાબતની સ્પષ્ટતા કરી દીધી. એમણે કહ્યું કે, અમે કોઈ પણ યોજના માટે કોઈનો ધર્મ પૂછતા નથી. સરકારે તમામ ધર્મ અને સમાજના લોકોને લાભ આપ્યો છે. જેમને મારો વિરોધ કરવો છે તેઓ ભલે કરે, પણ દેશની સંપત્તિને નુકસાન ન પહોંચાડે.

આજની રેલીનું આયોજન દિલ્હી ભાજપ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં દિલ્હી ભાજપ એકમના પ્રમુખ મનોજ તિવારી અને દિલ્હીમાંથી લોકસભામાં ચૂંટાઈ આવેલા કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન સહિત ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલીને ભાજપ દ્વારા ધન્યવાદ રેલી નામ આપવામાં આવ્યું હતું. ભાજપે દિલ્હીમાં 1,700થી વધારે અનધિકૃત રહેણાંક કોલોનીઓને કાયદેસર બનાવી દીધી છે અને એને કારણે આશરે 40 લાખ લોકોને ઓનરશીપનો લાભ મળ્યો છે. આ રહેવાસીઓ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માટે આ રેલીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વડા પ્રધાનના ભાષણના ખાસ મુદ્દાઃ

 • નવા શરણાર્થીઓને CAA કાયદાનો લાભ નહીં મળે
 • નાગરિકતા કાયદો દેશવાસીઓ માટે નથી.
 • કાયદા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ભારતમાં કોઈ જ ડિટેન્શન સેન્ટર (ધરપકડ કેન્દ્રો) નથી.
 • દેશના મુસલમાનોને CAA સાથે કોઈ લેવાદેવા નથી.
 • CAA અને NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ) અંગે લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે
 • શહેરી નક્સલવાદીઓ લોકોને ડરાવી રહ્યા છે અને ડિટેન્શન સેન્ટર વિશે લોકોમાં ભ્રમ પેદા કરાવી રહ્યા છે
 • નાગરિકોની મદદ કરી રહેલા પોલીસોને શા માટે મારવામાં આવે છે?
 • મુશ્કેલી આવે છે ત્યારે પોલીસો દિવસ-રાત જોતા નથી.
 • તોફાની તત્વો સમજી લે કે પોલીસો કોઈના પણ દુશ્મન હોતા નથી
 • મોદીનો જેટલો વિરોધ કરવો હોય એ કરો, પણ દેશની સંપત્તિને સળગાવો નહીં
 • કાયદાના વિરોધી દેખાવકારો મહિલાઓ અને બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે
 • કાયદાના વિરોધીઓ દેશમાં ડર અને અરાજકતાનું વાતાવરણ ફેલાવી રહ્યા છે
 • અમારી સરકારે કાગળો (દસ્તાવેજો)ના ચક્કરમાંથી લોકોને મુક્તિ અપાવી છે
 • ઘણા લોકો જૂઠ્ઠું બોલીને મુસ્લિમોને ભડકાવે છે
 • કેટલાક પક્ષો નાગરિકોના અધિકારો છીનવાઈ જશે એવું જૂઠાણું ફેલાવે છે
 • કેટલાક લોકો તો વળી એવું કહે છે કે નાગરિકતા કાયદો ગરીબ લોકોની વિરુદ્ધ છે, જે સદંતર જૂઠાણું છે
 • ભારતના મુસ્લિમોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. CAA કે NRC ભારતના મુસ્લિમોને લાગુ પડવાનો નથી
 • હું દેશના યુવાઓને વિનંતી કરું છું કે તેઓ નાગરિકતા કાયદાને વિગતે વાંચે અને શહેરી નક્સલવાદીઓ અને કોંગ્રેસ દ્વારા ફેલાવાતા જુઠાણાને સાચું માને નહીં
 • કેટલાક દલિત નેતાઓ પણ આ કાયદાની ગેરસમજ કરી રહ્યા છે. એમણે સમજવાની જરૂર છે કે પાકિસ્તાનમાંથી જે નિરાશ્રીતો ભારત આવ્યા છે એમાં મોટા ભાગના દલિતો છે. આ દલિત લોકો પાકિસ્તાનમાં મજૂરી કરતા હતા
 • આ કાયદો ભારતમાં અનેક વર્ષોથી રહેતા લોકોને લાગુ કરવામાં નહીં આવે. કોઈ પણ નવા શરણાર્થીઓને નાગરિકતા કાયદાનો લાભ નહીં મળે.
 • દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કાયદો પાસ કરવામાં આવ્યો છે
 • ઘૂસણખોરો અને શરણાર્થીઓનો ફરક લોકોએ સમજવો પડશે
 • વોટ માટે મુસ્લિમોને ડરાવવામાં આવી રહ્યા છે
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]