ધોલેરાની વધુ એક અતિમહત્ત્વના પ્રોજેક્ટ માટે થઈ પસંદગી, ત્રીજી ડિફેન્સ ટેસ્ટિંગ ફાયરિંગ રેન્જ સ્થપાશે

અમદાવાદ: દેશમાં પોખરણ અને બાલાસોર બાદ ધોલેરામાં ડિફેન્સ સેક્ટરનાં હથિયારોના પરીક્ષણ માટે દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ સ્થપાશે. આ માટે ધોલેરામાં 200 ચોરસ કિલોમીટર જગ્યાની પસંદગી કરવામાં આવી છે. જેના પગલે ડિફેન્સને લગતા પ્રોજેક્ટ્સ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આકર્ષક સ્થાન તરીકે ઊભરી આવશે.

સીઆઇઆઇ દ્વારા આયોજિત એરોસ્પેસ કોન્કલેવ દરમિયાન ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે, ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે તે માટે જમીન અલગ રાખવામાં આવી છે. ભારતીય લશ્કરની અરજી બાદ અમે આ રેન્જ વિકસાવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા પ્રારંભિક મંજૂરી આપી દેવામાં આવી છે. લશ્કર તરફથી ફાયરિંગ રેન્જ બનાવવા માટેની દરખાસ્ત મળ્યા બાદ અમે તેના માટે ધોલેરામાં 200 ચોરસ કિલોમીટર જગ્યાની પસંદગી કરી છે. આ ફાયરિંગ રેન્જની લંબાઈ 25 કિલોમીટર હશે જ્યારે પહોળાઈ 5 કિલોમીટરની રહેશે.

જયપ્રકાશ શિવહરેએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સંરક્ષણ ઉત્પાદનોની ચકાસણી માટે મર્યાદિત ફાયરિંગ રેન્જ ઉપલબ્ધ છે. તેમાં ખાનગી કંપનીઓને પરીક્ષણ કરવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે તે જોતાં અમે ધોલેરા ખાતેની રેન્જ ખાનગી કંપનીઓ માટે પણ ખુલ્લી રાખીશું.

એરફોર્સ ઉપરાંત બાબા કલ્યાણી જૂથે પણ આ ફાયરિંગ રેન્જ બાબતે માંગ કરી હતી. આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલી જમીનમાં મોટા ભાગની જગ્યા સરકારની છે. આમ છતાં અમુક જમીન ખાનગી માલિકીની છે તેને હસ્તગત કરવામાં આવશે અને આના માટે જમીન માલિકોને યોગ્ય વળતર આપવામાં આવશે. આ ફાયરિંગ રેન્જ અખાતના દરિયા કિનારાની નજીક હશે. કેટલીક ખાનગી કંપનીએ ડિફેન્સ પાર્ક સ્થાપવાની પણ તૈયારી દાખવી છે.

ગુજરાત સરકાર હસ્તકની એવિએશન કંપની ગુજસેઇલના કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજકોટમાં નવું એરપોર્ટ સ્થાપી રહી છે, જ્યાં એમઆરઓ ફેસિલિટી પણ શરૂ કરાશે. ગુજરાતમાં એવિએશન સેક્ટરમાં વર્ષ 2012માં 12 કરોડ જેટલું બજેટ હતું તે હવે રૂ.430 કરોડ પહોંચ્યું છે. આઇટીઆઇ, આઇઆઇટી અને એનસીસીની સાથે યુવાઓ માટે નવી ઇન્સ્ટિટ્યૂટ અને નવા કોર્સ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની દિશામાં કામગીરી થઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]